શહેરાના સાજીવાવ ગામે તળાવ ન્હાવા પડેલ બે યુવાનો ડુબી ગયેલ હતા તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

શહેરા, શહેરા તાલુકાના સાજીવાવ ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. તળાવ માંથી 20 વર્ષીય બન્ને યુવાનોની લાશને બહાર કાઢીને પોલીસે જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકાના સાજીવાવ ગામ ખાતે રહેતા મુકેશ ખાંટ અને સંજય ખાંટ તેના અન્ય બે મિત્રો સાથે ગરમી વધુ હોવાથી ગામના મુખ્ય તળાવમાં ન્હાવા માટે ગયા હતા. તળાવના ઊંડા પાણીમાં મુકેશ અને સંજય ડૂબી રહયા હોવાથી અન્ય મિત્રોએ બચાવવાની કોશિશ કરવા છતાં ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતા તેઓએ બૂમાબૂમ કરીને અન્ય લોકોને મદદ માટે બોલાવી રહ્યા હતા. તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી 20વર્ષીય મુકેશભાઈ દલસુખભાઈ ખાંટ રહે તળાવ ફળિયુ અને સંજયભાઈ વાલમભાઈ ખાંટ નું મોત નીપજ્યુ હતું. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તળાવના પાણીમાં ડૂબી ગયેલા બન્ને યુવાનોની લાશને બહાર કાઢીને ધટના સ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.યુવાનો ની લાશ ને જોતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે તાલુકા મથક ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનેલ દુખદ ઘટનાને લઈને સાજીવાવ ગામ અને મૃતકના પરિવારજનો માં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.