બોરડીની દૂધ મંડળીના તત્કાલીન મહિલા સેક્રેટરી દ્વારા 2019/20 માં રૂ.7.50 લાખની ઉચાપત ના કેશમાં નિર્દોષ છુટવા માટે કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કર્યા હોવાનું ધ્યાને આવતા મંડળીના ચેરમેન દ્વારા તત્કાલિન મહિલા સેક્રેટરી અને તેના પતિ વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.પોલીસે બંને પકડીને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે જામીન નામંજૂર કરીને એસઆઇટીની રચનાનો હુકમ કર્યો છે.
વર્ષ 2021માં શહેરાના બોરડી ગામે આવેલ ધી બોરડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી રૂ.7.50 લાખની ઉચાપત કરનાર સેક્રેટરી સેજલબેન દિલીપભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ દ્વારા આરોપી સેજલબેન દિલીપભાઈ પટેલની ધરપકડ કરતાં તેમના પતિ દિલીપભાઈ કાન્તીલાલ પટેલ તથા અન્ય આરોપીઓ સાથેના મેળાપીપણામાં જે તે સમયે જામીન મુક્ત થવા માટે શહેરાના જ્યુ. મેજિ.ની કોર્ટમાં રૂ.7,51,751નો બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ એકસીસ બેન્કનો બનાવી પોતાના એડવોકેટ મારફતે કોર્ટમાં આ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરીને તેના આધારે જામીન મુક્ત થયા હતા. ત્યારબાદ કેસ ચાલવા ઉપર આવતા આ તમામ આરોપીઓએ ભેગા મળીને કોર્ટમાં તમામ અધિકારીઓને અંધારામાં રાખીને ડુપ્લિકેટ ફરિયાદી રજૂ કરી દૂધ મંડળીના બનાવટી લેટરપેડ બનાવીને મંડળીના ચેરમેન, સેક્રેટરીના બનાવટી સહી સિક્કા કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. તેના આધારે શહેરાના ફોજદારી કેસમાં નિર્દોષ છૂટી ગયા હતા. આની જાણ મંડળીના હોદેદારોને થતાં અને મંડળીના નાણાં ઓડિટ રીપોર્ટમાં પણ રકમ બાકી પડતા આ બાબતે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસ અધિકારી દ્વારા તપાસ કરીને આરોપીની અટક કરી હતી. આરોપી દ્વારા પંચમહાલના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અને સેસન્સ જજ પી વી શ્રીવાસ્તવની કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરતાં જામીન અરજીની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા કેસના સંજોગો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાને લઈ કોર્ટ દ્વારા ન્યાય પાલિકા સાથે છેતરપિંડી કરનાર આરોપી દિલીપભાઈ પટેલ તથા આરોપી હીરાભાઈ પટેલની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે.