શહેરાના શાન્તાકુંજ સોસાયટીમાં પાલિકાનું પીવાનું પાણી ડહોળું આવતાં રહિશો પરેશાન

  • પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતાં પાણીનો પુરવઠો નિયમિત મળતો નથી.

શહેરા, શહેરા નગરમાં ભરઉનાળે પીવાનું પાણી નિયમિત નથી મળી રહ્યું એવા સમયે શાન્તા કુંજ સોસાયટીમાં નગર પાલિકા દ્વારા નળમાં પીવાનું પાણી ડહોળું આવી રહયુ હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, પીવાના પાણીની સમસ્યાથી નગરના અનેક વિસ્તારના નગરજનો હેરાન પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું હતું.

શહેરા નગરમાં ભર ઉનાળે પીવાનું પાણી નિયમિત નથી મળી રહ્યું એવા સમયે નગર પાલિકા દ્વારા આપવામાં આવતુ નળમાં પીવાનું પાણી ડહોળું આવતા નગર જનો મુશ્કેલીમાં મુકાયા હતા. શાન્તા કુંજ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ચોખ્ખું નહી હોવા છતાં આ બાબતે પાલિકા તંત્ર દ્વારા કોઇ જ ગંભીરતા લેવામાં આવી નથી. જોકે, નળમાં આવતું પાણી ચોખ્ખુ નહી આવતુ હોવાથી અમુક લોકોએ તો ના છૂટકે ઠંડા પાણીના જંગ વેચાતા મંગાવા પડી રહયા છે.પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ મહિલા પાલિકા પ્રમુખ પણ નગરના અમુક વિસ્તારમાં પીવાના પાણીની તેમજ અન્ય સમસ્યાઓ હોવા છતાં નગર ના વિવિધ વિસ્તારની મુલાકાત લેવા માટે પણ વિચારતા ન હોય જેના કારણે છૂપો આક્રોશ આ સામે નગરજનો જોવા મળે તો નવાઈ નહીં. જોકે પાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવી રહેલ નળમાં ડહોળું પાણીમાંથી પણ દુર્ગંધ મારતું હોય ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી ભીતી નગરજનોમાં સેવાઇ રહી છે. નગરપાલિકાની ચૂંટણી ટાણે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી સહિતની વધુ સુવિધાઓ આપવાની વાતો કરતા નગરજનો એ મત આપ્યા બાદ જ્યારે હાલ ખરેખર પાણી સહિતની અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ કે પછી વોર્ડ સભ્યો પણ દેખાતા નથી. નગરના અમુક વિસ્તારમાં પાણી, રસ્તા સહિતની અનેક સમસ્યાઓ દિન પ્રતિ દિન વધતી જતી હોય તેમ છતાં એ વિસ્તારની સમસ્યાનો અંત લાવવામાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ નિષ્ફળ નિવડી રહ્યા હોય એવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી. એક તરફ જોવા જઈએ તો ભર ઉનાળે પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી નગરજનોને જરૂરિયાત મુજબનું મળતું નથી અને બીજી તરફ પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે સાન્તાકુંજ સોસાયટીના રહીશોને પીવાનું પાણી ચોખ્ખું નહિ આવતું હોવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ વિચાર્યું નથી. જ્યારે બપોરના સમયે આ વિસ્તારના જાગૃત નાગરિક પાલિકા કચેરી ખાતે રજૂઆત માટે ગયા ત્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઓફિસમાં ન હોવા સાથે નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશ શાહ પણ જોવા મળ્યા ન હોવાથી આ વિસ્તારના રહીશોને પીવાનું પાણી ચોખ્ખું ક્યારે મળશે. એવા અનેક સવાલો અહીં ઉભા થતા જોવા મળી રહ્યા હતા. હાલ તો આ વિસ્તારની વધતી જતી સમસ્યાને લઈને અહીંના જાગૃત રહીશો ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને લેખિત અને મૌખિક રજૂઆત આગામી દિવસોમાં કરનાર છે.

શહેરા નગરપાલિકા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ક્યારે મળશે તેવું કોઈ લખાણ લખેલ જોવા મળતું નથી. જ્યારે શાન્તા કુંજ સોસાયટીમાં પીવાનું પાણી ચોખ્ખું નહીં આવતું હોવાથી નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઈ શાહને મોબાઈલ પર સંપર્ક કરતા તેમને ફોન ઉઠાવ્યો ન હતો. જોકે, ભરઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ર્ન ઉઠી રહ્યો હોય ત્યારે પાલિકાના જવાબદાર ગણાતા એન્જિનિયર ઓફિસ ખાતે પણ જોવા મળ્યા ન હતા. જીલ્લા કલેકટર દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવામાં આવે અને નગરજનો ના વધતા જતા પ્રશ્ર્નોનું વહેલી તકે નિકાલ આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે.

નગર વિસ્તાર મા નગર પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી અનિયમિત મળવા સાથે શાન્તા કુંજ સોસાયટીમાં નળમાં ડહોળું પાણી આવતા અહીંના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે નગરના અમુક વિસ્તારમાં ભરઉનાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પાણી ડહોળું મળતા અમુક નગરજનો મિનરલ વોટરના ઠંડા પાણીના જંગ મંગાવતા હોય છે. જ્યારે જીલ્લામાં આવેલ બીજી નગર પાલિકામાં પાણી નિયમિત મળતું હોય છે. ત્યારે આ પાલિકા વિસ્તારના નગરજનોને નિયમિત પાણી મળે તે માટે પાલિકા સહિતનું તંત્ર ક્યારે વિચારશે ખરા ? નગરજનોને પાણી સમસ્યા માંથી છુટકારો મળે તે માટે રાજ્ય સરકારી અને ગ્રાન્ટો આવતી હોય ત્યારે પાલિકા દ્વારા આને લગતી આવેલી ગ્રાન્ટનો ખરેખર ઉપયોગ થયો છે કે નહીં? પાલિકામાં આવતી ગ્રાન્ટોની સંબંધિત તંત્રનો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે.