શાહજહાં શેખ વટથી કોર્ટમાં હાજર થયો: ડર વગર કોર્ટમાં હાજર થઈ વિક્ટરી સાઈનમાં હાથ હલાવ્યો, ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

  • તેને બસિરહાટ કોર્ટમાં હાજર કરાયો ત્યારે ચહેરા પર કોઈ ભય નહોતો, શરમ નહોતી

કોલકાતા, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસી નેતા શેખ શાહજહાંની પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે સવારે ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો છે. તે ૫૫ દિવસથી ફરાર હતો. આજે તેને બસિરહાટ કોર્ટમાં હાજર કરાયો ત્યારે ચહેરા પર કોઈ ભય નહોતો, શરમ નહોતી. વટથી હાજર થયો ને વિકટ્રી સાઈનમાં હાથ હલાવ્યો. શાહજહાં શેખના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પહેલાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ દાવો કર્યો હતો કે શાહજહાં શેખને મંગળવારે રાત્રે પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને ત્યારથી તે પોલીસની સલામત કસ્ટડીમાં છે. તેને બરમાજુર ગ્રામ પંચાયતમાંથી લાવવામાં આવ્યો હતો. આ દાવા પર ટીએમસી નેતા શાંતનુ સેને કહ્યું કે, સમાચારમાં રહેવા માટે શુભેન્દુ આવા દાવા કરે છે, જે ખોટા છે. સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે.

શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં ઈડીએ ૫ જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શાહજહાંના ૨૦૦થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં શેખ ફરાર હતો. ૫ જાન્યુઆરીએ ઈડીની ટીમ સંદેશખાલીમાં શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ત્યારબાદ ટોળાએ ટીમ પર હુમલો કર્યો, જેમાં ઈડી અધિકારી ઘાયલ થયા હતા. શાહજહાં શેખની ધરપકડ પર કોલકાતા હાઈકોર્ટે સોમવારે ફરી રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ ટી.એસ.શિવજ્ઞાનમે આદેશ આપ્યો હતો કે પોલીસ, તમામ સંજોગોમાં, આગામી સુનાવણીમાં શાહજહાંને કોર્ટમાં રજૂ કરે. તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી. કોર્ટે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચારની ઘટનાઓ વિશે ૪ વર્ષ પહેલાં પોલીસને જાણ કરવામાં આવી હતી. યૌન ઉત્પીડન સહિતના ૪૨ કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ૪ માર્ચે સુનાવણીમાં સીબીઆઇ,ઇડી શાહજહાં શેખ, પોલીસ અધિક્ષક અને બંગાળ સરકારના પ્રતિનિધિઓ કોર્ટમાં હાજર રહે.રવિવારે જ્યારે બંગાળ સરકારના બે મંત્રી પાર્થ ભૌમિક અને સુજિત બસુ સંદેશખાલીના હાલદારપાડા પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમના પર આક્રોશ ઠાલવ્યો હતો.

નોર્થ ૨૪ પરગના જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓએ દેખાવો કર્યા હતા. તેમણે આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. મહિલા દેખાવકારોએ ૧૧ ફેબ્રુઆરીએ સંદેશખાલીમાં ટીએમસી નેતા શિવપ્રસાદ હજારાના ફાર્મ હાઉસને આગ લગાવી દીધી હતી. આરોપી શાહજહાં સંદેશખાલીમાં ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નથી. ૨૦૦૦-૨૦૦૧માં તેઓ ફિશરીઝ સેન્ટરમાં મજૂર હતો. શાકભાજી પણ વેચી. ત્યારબાદ તેણે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં જ તેમણે મજૂર સંઘની રચના કરી હતી. પછી સીપીએમમાં જોડાયા.

જ્યારે સિંગુર અને નંદીગ્રામ ચળવળોમાં ડાબેરી પક્ષોએ મેદાન ગુમાવ્યું, ત્યારે ૨૦૧૨માં તે તત્કાલીન તૃણમૂલ મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના શક્તિશાળી નેતા જ્યોતિપ્રી મલિકના સમર્થનથી પાર્ટીમાં જોડાયો. મલિક રાશન કૌભાંડના એ જ કેસમાં જેલમાં છે જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શાહજહાંને શોધી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે શાહજહાં પાસે સેંકડો મત્સ્ય ઉછેર કેન્દ્રો, ઈંટોના ભઠ્ઠાઓ, સેંકડો એકર જમીન હતી. તેઓ ૨ થી ૪ હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

પશ્ર્ચિમ બંગાળમાં કોરોના દરમિયાન થયેલા હજારો કરોડ રૂપિયાના કથિત રાશન કૌભાંડના સંબંધમાં ૫ જાન્યુઆરીએ ઈડીએ રાજ્યમાં ૧૫ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઉત્તર ૨૪ પરગના જિલ્લાની ટીમ સંદેશખાલી ગામમાં શેખ શાહજહાં અને શંકર આયાના ઘરે પણ દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્યારથી શાહજહાં ફરાર હતો. શેખ શાહજહાં વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.