પટણા,પટણામાં શુક્રવારે રમજાનના છેલ્લા જુમ્માની નમાજ (જુમાતુલ વિદા) પછી અતીકના સમર્થનમાં નારા લાગ્યા હતા. પટના જંક્શન પાસેની મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ ’અતીક અહેમદ અમર રહે’ના નારા લગાવ્યા હતા. યોગી-મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
રઈસ અંસારી ઉર્ફે રઈસ ગઝનબી અતીકના સમર્થનમાં નારા લગાવી રહ્યો હતો. તેની દુકાન પટના જંક્શન પાસે છે. તેણે કહ્યું કે, આજે અમે અલ્લાહને અતીક અહેમદ અને અશરફ અહેમદની શહાદત સ્વીકારવાની દુઆ કરી છે. યોગી સરકારે યોજના બનાવીને તેમને માર્યા. અતીક અહેમદ શહીદ થયો છે… રોજાના દિવસે તેને ગુનેગારો દ્વારા મરાવી નાખવામાં આવ્યો હતો. આખી દુનિયાની નજરમાં તે શહીદ છે.
જો તેણે ખોટું કર્યું હોય તો તેના માટે કોર્ટ છે. પોલીસે કોર્ટમાં લખીને તેના રિમાન્ડ લીધા હતા. તેની સુરક્ષાની જવાબદારી લીધી હતી. તેને સજા થઈ હોત. જો તેને ફાંસી આપવામાં આવી હોત તો અમે કશું બોલ્યા ન હોત.
બીજેપી પ્રવક્તા અરવિંદ સિંહે કહ્યું કે નીતીશજી, એક મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું તમારા રાજ્યમાં અપમાન થઈ રહ્યું છે. તમારી સાથે પણ આવું જ થઈ શકે છે. બિહારને પાકિસ્તાન ન બનવા દો. આ રીતે દેશનું વિભાજન થશે. બીજેપી નેતા હરિ ભૂષણ ઠાકુરે કહ્યું કે જે લોકો નારા લગાવે છે તેમના ઘર પર બુલડોઝર ફેરવવું જોઈએ.
માફિયા અતીક અને તેના ભાઈ અશરફની ૧૫ એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પત્રકારો અતીક અને અશરફને સાથે-સાથે ચાલતા પૂછતા હતા. આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ પોલીસની સુરક્ષા કોર્ડન તોડીને અતીકને માથામાં ગોળી મારી, પછી અશરફ પર ગોળીબાર કર્યો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા. તેમનાં નામ છે લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય. ત્રણેયે હુમલા બાદ તરત જ સરેન્ડર કર્યું હતું. લવલેશ બાંદા, અરુણ કાસગંજ અને સની હમીરપુરનો રહેવાસી છે. તેમની પાસેથી હથિયારો મળી આવ્યાં છે. કોન્સ્ટેબલ માનસિંહને પણ ગોળી વાગી હતી.