શાહિદ આફ્રિદીએ કાશ્મીરના નામે મોદીને ગણાવ્યા ‘ઝૂલ્મી’

નવીદિલ્હી,

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝૂલ્મી ગણાવ્યા છે. ૪૩ વર્ષીય આફ્રિદીએ દોહામાં લેજન્ડ ક્રિકેટ લીગની ફાઈનલ પહેલાં આ બફાટ કર્યો હતો. મુકાબલા પહેલાં જ્યારે આફ્રિદીને કાશ્મીરની સ્થિતિ અને ભારતના વડાપ્રધાન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે દુનિયામાં જ્યાં જાલીમ હશે હું તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ. પછી ભલે તે કોઈ પણ દેશ અને કોઈ પણ ધર્મના હોય. આફ્રિદીનું આ નિવેદન વાયરલ થતાં ભારતીયો આફ્રિદીની બેફામ ઝાટકણી કાઢી રહ્યા છે.

આફ્રિદીએ કહ્યું કે જો દુનિયામાં ક્યાંય પણ જાલીમ આદમી હશે અને ક્યાંક લાચાર માણસો હશે જેના ઉપર જૂલ્મ થતો હશે પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય તેના વિરુદ્ધ મારો અવાજ ઉઠાવીશ. મેં કાશ્મીર મુદ્દે હંમેશા વાત કરી છે અને આગળ પણ કરતો રહેવાનો છું. આ પહેલાં આફ્રિદીએ એક ચાહકને તીરંગા પર ઓટોગ્રાફ આપ્યો હતો જે પછી તેની આકરાં શબ્દોમાં ઝાટકણી નીકળી હતી.

આ પહેલાં તેણે પાછલા વર્ષે મેમાં જમ્મુ-કાશ્મીર લીબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન મલિકના સમર્થનમાં પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે ભારતના માનવાધિકાર ભંગ વિરુદ્ધ ટીકા કરનારા લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કોઈ કામ નહીં કરે. યાસીન વિરુદ્ધ આરોપ લગાવીને આઝાદીના સંઘર્ષને રોકી શકાશે નહીં !

ઉલ્લેખનીય છે કે, લેજન્ડ ક્રિકેટ લીગના ફાઈનલ મુકાબલામાં આફ્રિદીની ટીમ એશિયા લાયન્સે વર્લ્ડ જાયન્ટસ વિરુદ્ધ જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.