શહેરામાં રવિ અને સોમવારના રોજ વરસાદી માહોલ બનવા સાથે ભારે વરસાદ થવાથી 11ઇંચ કરતા વધુ વરસાદ મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો. જોકે, ભારે વરસાદના કારણે અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી શાન્તા કુંજ સોસાયટી અને હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર બે ફૂટ કરતા વધુ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવા સાથે તાલુકા પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ત્યાંના રહીશો ચિંતિત થયા હતા. જ્યારે પોયડા ગામમાં આવેલ નાયક ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસી જતા ત્યાં રહેતા લોકોને પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
જ્યારે એમજીવીસીએલના સબ સ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહયો હતો. જ્યારે વરસાદના કારણે અમુક ખેડૂતોના ખેતરમાં રહેલ મકાઈનો પાક જમીનદોસ્ત થતા ખેડુતો ચિંતિત થઈ ઉઠ્યા હતા.
શહેરા તાલુકામાં ચાર દિવસથી વરસાદી માહોલ બનવા સાથે જગતનો તાત ખુશખુશાલ થયો હતો જ્યારે રવિવારથી સોમવારના દિવસ દરમિયાન 11ઇંચ કરતાં વધુ વરસાદ મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ શાન્તાકુંજ સોસાયટીમાં નદીના જેમ પાણી વહેવા સાથે ઘરોમાં પાણી ભરાઈ જતા ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઊઠ્યા હતા. હાલોલ-શામળાજી હાઈવે ઉપર અવર જવરના બન્ને તરફ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી.
એમ્બ્યુલન્સ, કાર, રીક્ષા સહિત અન્ય નાના મોટા વાહનો આ પાણીમાં ફસાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકવામાં સાથે ગમે તે રીતે પાણીમાંથી પોતાના વાહનો બહાર કાઢવાની કોશિષ કરતા નજરે પડી રહ્યા હતા. જોકે, સતત વાહનોની અવરજવર આ હાઇવે ઉપર રહેતી હોવા સાથે વરસાદી પાણી હાઇવે માર્ગ ઉપર ભરાયેલા રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સ્થાનિક રાજ્યના વાહન ચાલકો આ હાઇવે ઉપર બે કરતા વધુ ફૂટ પાણી ભરાતા તેઓ ચિંતિત થઈ ઊઠવા સાથે ગમે તે રીતે વાહન લઈને પસાર થતા જોવા મળ્યા હતા.
તાલુકાની મુખ્ય રેફરલ હોસ્પિટલ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા સ્ટાફ અને દર્દીઓને અવર જવરમાં ભારે તકલીફ પડી રહી હતી. જોકે, તાલુકામાં વીજ પુરવઠો પૂરો પાડતી એમજીવીસીએલના સબ સ્ટેશનમાં વરસાદી પાણી ઘુસી જતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે નગર અને સમગ્ર તાલુકામાં અંધારપટ છવાઈ ગયો હતો. જ્યાં સુધી એમજીવીસીએલના સબ સ્ટેશનની અંદરથી પાણી નીકળે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવવા સાથે અહી ફરજ બજાવતો સ્ટાફ પણ પાંચ ફૂટ કરતા વધુ ઊંડા પાણીમાં પસાર થઈને પોતાની ફરજ નિભાવી હતી. જયારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે મેઘરાજા મન ભરીને વરસતા નદી, કોતર અને જળાશયમાં પણ નવા પાણીની આવક થઇ હતી.
તાલુકા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા સાથે અમુક કાચા મકાનો પણ ધરાશાય થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. જ્યારે તાલુકાના પોયડા ગામમાં આવેલ નાયક ફળિયામાં કોતરના પાણી ઘરોમાં ઘૂસી જતા ત્યાંના લોકો ભારે ચિંતિત થઈ ઊઠ્યા હતા. પોલીસ અને ગામના અગ્રણીઓ દ્વારા તમામને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢીને ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીલ્લામાં થયેલા ભારે વરસાદ કઈ ખુશી કઈ ગમ લઈને આવા સાથે એક તરફ ખેડૂતો ખુશખુશાલ થયા તો બીજી તરફ અમુક ખેડૂતોના ખેતરમાં રહેલ મકાઈ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા પાકને નુકસાન જવાની શક્યતાના પગલે ખેડૂતો ચિંતાતુર થયા હતા.
શહેરા નગર અને તાલુકામાં વીજ પુરવઠો જે જગ્યાથી પૂરો પાડવામાં આવે છે એ એમજીવીસીએલનું સબ સ્ટેશન ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સબ સ્ટેશનની અંદર પાંચ ફૂટ કરતાં વધુ પાણી હોવાથી સંપૂર્ણ વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવતા નગર અને તાલુકામાં અંધારપટ છવાઈ ગયો હતો. જોકે, સબ સ્ટેશનમાં પાણી ભરાયેલા હોવા છતાં લાઇનમેન સહિત અન્ય સ્ટાફ એ પોતાની ફરજ નિભાવી હતી…
શહેરા અણીયાદ ચોકડી પાસે હાલોલ શામળાજી હાઈવે ઉપર વરસાદી પાણી કલાકો સુધી ભરાઈ રહેલા હોવા છતાં ટોલટેક્સ વસૂલ કરતી કલ્યાણ કંપની એ આ બાબતને ગંભીરતા ન લીધી હોય એમ લાગી રહ્યું હતું. વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે તકલીફ પડવા સાથે ટોલટેક્સ વસૂલ કરતી કલ્યાણ કંપની સામે પણ આક્રોશ વાહન ચાલકોનો જોવા મળી રહ્યો હતો. જોકે, આ હાઇવે ઉપર પાણી ભરાઈ નહીં તે માટેનું આયોજન કરવામાં કલ્યાણ કંપનીને કોઈ રસ નથી.જ્યારે હાઇવે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા બાદ નજીકમાં આવેલ શાન્તાકુંજ સોસાયટીમાં પાણી ભરાતા હોય એના કારણે આ સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડવા સાથે ઘરની અંદર વધુ પાણી ભરાઈ જવાની શક્યતાને લઈને રાત્રીએ ઉજાગરા કરવા પડતા હોય ત્યારે કલ્યાણ કંપની ને જીલ્લા કલેકટર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આદેશ કરે એવી માંગ આ સોસાયટીના રહીશો કરી રહ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં સાવિત્રીક વરસાદ નોંધાતા વરસાદની માહોલનો અહેસાસ જીલ્લાવાસીઓને થયો હતો. જ્યારે ખાલી ખમ જોવા મળતા નદી, કોતર અને જળાશયોમાં પણ પાણીની આવક થવા પામી હતી. જળાશયોમાં પાણીની સતત આવકને લઈને સિંચાઈ કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
શહેરા તાલુકાના બાહી ગામ પાસે કુણ નદી પરના કોઝવે પર અને રામજીની નાળ ગામ પાસે પાનમ નદીના કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જવા સાથે લોકોની અવરજવર પણ સંપૂર્ણ બંધ રહેલી હતી. જોકે, દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ અહીં થતી હોય તેમજ આ રસ્તો દસ કરતા વધુ ગામને જોડતો હોવાથી કોઝવે પર ઊંચો પુલ બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.