શહેરા, શહેરામાં રક્ષાબંધન પર્વને લઈને બજારોમાં ઘરાકી જોવા મળી હતી. જ્યારે નગર વિસ્તારમાં આવેલ શારદા મંદિર હાઇસ્કુલ સહિત અન્ય શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં રક્ષાબંધન પર્વને લઇને જીલ્લાવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તાલુકા મથક ખાતે આવેલા બજારોમાં પર્વના છેલ્લા દિવસે લોકોની ખરીદી કરવા માટે ભીડ જોવા મળતા વેપારીઓ ખુશખુશાલ થયા હતા. આ વખતે અવનવી ડિઝાઇન વાળી રાખડીઓ પોતાના ભાઈઓ માટે બહેનો ખરીદતી નજરે પડી રહી હતી. જોકે, આ વખતે પણ રાખડિના ભાવ માં પણ સામાન્ય વધારો જોવા મળ્યો હતો. વેપારીઓ દ્વારા રાખડી ખરીદી પર અવનવી સ્કીમો રાખવામાં આવી હતી. જ્યારે નગર વિસ્તારમાં આવેલ શારદા મંદીર હાઇસ્કુલ તેમજ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે અભ્યાસ કરતી વિધાર્થિનીઓએ તિલક કરીને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઊજવણી કરી હતી.