- વોન્ટેડ આરોપી સાથે ભોગ બનનાર પણ પકડાઈ.
શહેરા પોલીસે પોકસોના ગુન્હાના વોન્ટેડ આરોપીને પાલીતાણા નજીકથી ઝડપી પાડવા સાથે ભોગ બનનારને પણ પકડી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર અને વોન્ટેડ આરોપીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરા પોલીસ સ્ટેશન ખાતે બે મહિના પહેલા તાલુકાના રેણા ગામના 22વર્ષીય કિશન પટેલિયા સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને ખાનગી રાહે માહિતી મળેલ કે વોન્ટેડ આરોપી કિશન અને ભોગ બનનાર પાલીતાણા નજીક આવેલ નેચડી ગામ ખાતે છે. જેને લઇને પોલીસ મથકના પી.આઈ રાજપુત દ્વારા સર્વેલેન્સ ટીમને ઉપરોક્ત બાતમીની હકીકત જાણ કરીને આરોપીને પકડી લાવવા માટે ટીમને રવાના કરી હતી. પોલીસ ની ટીમ પાલીતાણાના નેચડી ગામ ખાતે પહોંચી જઈને તપાસ કરતા વોન્ટેડ આરોપી કિશન પટેલિયા અને ભોગ બનનાર ત્યાં મળી આવતા બન્નેને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોકસોના ગુન્હાના વોન્ટેડ આરોપી અને ભોગ બનનાર ને પોલીસ મથક ખાતે લાવીને પોલીસ ઇસ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, બે મહિનાથી પોલીસ પકડથી ભાગી રહેલ વોન્ટેડ આરોપી કિશન પોલીસ પકડમાં આવી જતા જેલના સળિયા ગણવાનો વાળો આવ્યો હતો.