
શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે જૂની અદાવતે ત્રણ ઈસમોએ 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.વૃદ્ધ પુના ભાઈની છ દિવસ પહેલા ગામના રસ્તા પર બાઈક સાથે લાશ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી તપાસ દરમિયાન હત્યાના ત્રણ આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે 11 માર્ચના રોજ 60 વર્ષીય પુનાભાઈ ચારણની બાઇક સાથે લાશ મળી આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી અને સ્ટાફ દ્વારા આ બનેલી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવવા સાથે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી,જ્યારે મૂર્તક પુનાભાઈનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે આ મામલે શંકમદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસની તપાસમાં 60 વર્ષીય વૃદ્ધ પુનાભાઈ ની હત્યા જૂની અદાવતે મહેન્દ્રભાઈ જશવંતભાઈ પરમાર રહે.નરસાણા અને મનીષભાઈ પરમાર રહે. બામરોલી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર એ ભેગા મળીને કરી હતી. પોલીસે પુનાભાઈ ચારણની હત્યા ના ત્રણ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવા સાથે હત્યાના આરોપી મહેન્દ્ર પરમાર અને મનીષ પરમારના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથધરી હતી. જોકે પોલીસ દ્વારા હત્યાના મુખ્ય આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી શકે તેવી શક્યતાઓને લઈને બીજા અન્ય નામો ખુલી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી, હાલતો બનેલી આ દુ:ખદ ઘટનાને લઈને મૃતકના પરીવારજનોમાં શોક ની કાલિમા છવાઈ ગઈ હતી.
