
શહેરા,શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના નાયક ફળિયા અને રાજપુત ફળિયામાં પાણી સમસ્યાને લઈને વાડી તાલુકા પંચાયત સદસ્ય જે.બી. સોલંકી એ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિરણ સોલંકીને લેખિતમાં રજૂઆત કરી હતી. જ્યારે પાણીની સમસ્યા સાત દિવસમાં હલ નહી થાય તો ઉપવાસ પર બેઠવાની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાં પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં હજુ પણ આ ગામના અમુક વિસ્તારમાં પાણી સમસ્યા હોવાથી આ વિસ્તારની મહિલાઓ હેરાન પરેશાન છે. જ્યારે વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી એ પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિરણસિંહ સોલંકીને આ ગામના નાયક ફળિયા અને રાજપુત ફળિયામાં નલ સે જલ યોજનાનું પાણી નહીં મળતા લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકી એ આ ગામની પાણી સમસ્યા સાત દિવસમાં હલ નહિ થાય તો ઉપવાસ પર બેઠવાની ચીમકી ઉચ્ચારી હતી. નલ સે જલ યોજનાની કામગીરી તાલુકાના અનેક ગામોમાં પૂર્ણ થવા છતાં હજુ પણ અમુક ગામોમાં આ યોજનાનું પાણી નહીં મળતુ હોવાની બુમો ઉઠી રહી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા પોતાની નૈતિક ફરજ સમજીને ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈને પાણી સમસ્યા હલ થાય તેવા પ્રયાસો કરવામાં આવે તે પણ જરૂરી છે.