મુન્દ્રાના સમાઘોઘા ગામે ચારણ સમાજના બે યુવાનો પર પોલીસના અમાનુષી અત્યારચારના વિરોધમાં શહેરા ચારણ-ગઢવી સમાજે આવેદન આપ્યું

શહેરા,
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહેતા ગઢવી ચારણ સમાજના બે નવયુવાનો ને પોલીસે અમાનુષી અત્યાચાર ગુજારતા બંને નવયુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જેના વિરોધમાં શહેરામાં આઈ સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચારણ ગઢવી સમાજ એ ગુનેગારો સામે કડક સજા થાય તેવી માંગ કરી હતી.

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહેતા બે યુવાનો પર ત્યાંની પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેમાં બંને યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું અને બંને પરિવારો દ્વારા પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેઓના મારના કારણે બંને નું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ચારણ ગઢવી સમાજમાં ફેલાતા પોલીસ પ્રત્યે ભારોભાર આક્રોશ જોવા મળી રહયો છે. જે અંતર્ગત બુધવારના રોજ આઈ સોનલ ચારણ ગઢવી સમાજ (પંચમહાલ) શહેરા દ્વારા અખિલ ભારતીય ચારણ ગઢવી સમાજના પંચમહાલ જિલ્લાના પ્રમુખ ડો.ભરતદાન ગઢવી, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા પ્રદેશ ઉપાધ્યક્ષ લાલાભાઈ ગઢવી તેમજ શહેરા તાલુકા ચારણ ગઢવી સમાજના પ્રમુખ કમલેશભાઈ ગઢવીની અગુવાઈમાં ૧૦ ગામના ચારણ ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી પોલીસ દ્વારા ગુજારાયેલા અમાનુષી અત્યાચારમાં પોતાના પ્રાણ ગુમાવનાર બંને યુવાનોને ન્યાય મળી રહે અને જલ્દી થી જલ્દી જવાબદાર પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કર્મીઓ કે જેઓની ઘટનામાં સંડોવણી હોય તેઓ સામે કડકમાં કડક સજા થાય તે માટેનું આવેદનપત્ર મામલતદાર મેહુલ ભરવાડને આપવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર મેહુલ ભરવાડે તેઓની લાગણી અને માંગણી ને ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ સામે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ચારણ ગઢવી સમાજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.