શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં સોમવારની રાત્રીએ દોસ્તી ઓટો ગેરેજ નામની દુકાનની અંદર કોઈ કારણસર આગ લાગી હતી

  • ત્રણ ફાયર ફાઇટર સ્થળ ઉપર આવી જતા પાણીનો મારો શરૂ રાખ્યો હતો.
  • શહેરા નગર પાલિકા અને ગોધરા, લુણાવાડાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે કલાકની ભારે મહેનત બાદ આગ કાબુમાં આવી.

શહેરા, શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં સોમવારની રાત્રીએ દોસ્તી ઓટો ગેરેજ નામની દુકાનની અંદર કોઈ કારણસર આગ લાગી હતી. શહેરા નગર પાલિકા અને ગોધરા, લુણાવાડાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે કલાકની ભારે મહેનત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગની ઘટનામાં રીપેરીંગ માટે આવેલી બાઈકો સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી જતા મોટુ નુકશાન થતા દુકાનદાર ચિંતિત થઈ ઉઠયો હતો.

શહેરા સહિત સમગ્ર જીલ્લામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સોમવારના રોજ યોજાઇ રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી દોસ્તી ઓટો ગેરેજ નામની દુકાનમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળવા સાથે આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા શહેરા નગરપાલિકાનું ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી જઈને પાણીનો મારો શરૂ કર્યો હતો. જોકે આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોધરા અને લુણાવાડા થી પણ ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી. આગ લાગેલ સ્થળ પર ત્રણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો શરૂ રાખવા સાથે સ્થાનિક યુવાનો પણ મદદ એ દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ સ્થળ ઉપર આવી પહોંચવા સાથે માર્કેટિંગ યાર્ડ થી અણીયાદ ચોકડી સુધીનો એક તરફનો માર્ગ ત્રણ કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો. દુકાનમાં લાગેલી આગને ત્રણ ફાયર ફાઈટરની ટીમએ ભારે જહેમત બાદ આગને કાબુ માં લીધી હતી. જ્યારે દોસ્તી ઓટો ગેરેજના દુકાનદાર પ્રકાશભાઈ એ જણાવ્યું હતું કે, દુકાનમાં આગ લાગવાથી રીપેરીંગ માટે આવેલી બાઇકો સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી જતા ભારે નુકશાન થયેલ છે. દુકાનમાં કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી. પરંતુ દુકાનમાં આગ લાગવાના કારણે દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકશાન જવાની શક્યતા રહેલી છે.