શહેરા,
આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને શહેરાના કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ EVM અને VVPAT તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આગામી 5મી ડિસેમ્બરના રોજ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને આજરોજ શહેરાના કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિની નિગરાની હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ EVMઅને VVPAT તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સિમ્બોલ લોડીંગ તેમજ ક્રમાંક અનુસાર મતદાન મથકના EVM અને VVPAT ના સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે. ત્યારબાદ ચોથી ડિસેમ્બરના રોજ શહેરા વિધાનસસભા બેઠકના 293 મતદાન મથકો ઉપર મોકલવામાં આવશે. શહેરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 293 મતદાન મથકો માટે 377 EVM મશીન તેમજ 412 VVPAT ની ફાળવણી કરાઈ છે. જેમાં ઇમર્જન્સીના સમયે ઉપયોગમાં આવી શકે તે માટે વધારાના 84 EVM તેમજ 119 VVPAT ની પણ ફાળવણી કરાઈ છે.