શહેરા વન વિભાગે સાકરીયા ગામ પાસેથી મારૂતી વાનમાં લઈ જવાતો 1.20 લાખના ખેરના લાકડાનો જથ્થો ઝડપ્યો

શહેરા,શહેરા વન વિભાગ એ ફિલ્મી ઢબે પીછો કરીને સાકરીયા ગામ પાસે પસાર થતા રસ્તા ઉપરથી ચોરીના ખેરના લાકડા ભરેલી મારૂતિ વાન પકડી પાડી હતી. વન વિભાગ એ ખેરના લાકડા અને મારૂતિ વાન મળીને રૂપિયા 1,20,000/- નો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

શહેરા ફોરેસ્ટ કચેરીના આર.એફ.ઓ. રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળેલ હતી કે બાહી ગામ પાસેથી બે નંબરી ખેરના લાકડા ભરેલી ગાડી પસાર થવાની છે. જેને લઈને વન વિભાગના જે.વી.પુવાર, આર.એસ.ચૌહાણ, એસ.બી.માલીવાડ, એચ.કે.ગઢવી તેમજ જી.ટી.પરમાર સહિતના સ્ટાફએ બાહિ ગામના જંગલ પાસે નાકાબંધી કરી હતી. બાતમીના વર્ણન વાળી મારૂતીવાન GJ-20-A-3575 આવતા વન વિભાગના સ્ટાફે ઉભા રાખવા ઇસારો કરવા છતાં ચાલકે તેની ગાડી વધુ સ્પીડે ગોધરા તરફ દોડાવી મૂકી હતી. વન વિભાગે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરવા સાથે સાકરીયા પાસે પસાર થતા રસ્તા ઉપર ખાનગી વાહન દ્વારા રસ્તો બ્લોક કરી દેવામાં આવતા ગાડી છોડીને ડ્રાઇવર તેમજ અન્ય ઈસમ ભાગી જવામાં સફળ રહ્યા હતા. વન વિભાગ ની ટીમ દ્વારા ગાડીની અંદર તપાસ કરતા ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની કચેરી ખાતે ચોરીના ખેરના લાકડા ભરેલી મારૂતિ વાનને લાવીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ એ ગાડી નંબરના આધારે તે દિશામાં તપાસ શરૂ કરવા સાથે રૂપિયા 1,20,000 નો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હાલ તો વન વિભાગ એ બે નંબરી ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હોય પણ ગાડીના નંબરના આધારે ગાડીના માલિક સુધી વન વિભાગ પહોંચશે. ત્યારે મોટા માથાઓ ના નામ બહાર આવે શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.