શહેરાના તળાવ મહોલ્લામાં ગેરકાયદેસર ચાલતું કતલખાના પર પોલીસે રેડ કરીને 495 કિલો ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસની રેડ દરમિયાન 5 ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. કતલખાના સ્થળ પરથી બાઈક સહિત રૂપિયા 1 લાખ 24 હજારનો મુદ્દામાલ કબજે લઈ ગૌમાંસ ના જથ્થાને નાશ કરીને વધુ તપાસ હાથધરી હતી.
શહેરાના ઢાકલીયા રોડ પર આવેલા તળાવ મહોલ્લામાં ગૌવંશ મંગાવી તેનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમી પો.કો.કનુભાઈને મળતા તેઓએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સાથેના પોલીસ સ્ટાફને વાકેફ કર્યા હતા. નગરના તળાવ મહોલ્લામાં રહેતા જાવેદ અજીત શેખની ટાડપત્રીવાળી જગ્યાએ પોલીસે કોર્ડન કરી રેડ કરતા ગૌમાંસનો જથ્થો મળી આવા સાથે 5 ઈસમો અંધારામાં ત્યાંથી નાશી છૂટ્યા હતા અને એક ઈસમ પોતાની બાઈક લઈ ભાગવા જતા તેને પકડી પાડી તેનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ આસિફ મજીત શેખ જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરતા એક ગૌવંશ કાપેલું પડ્યું હતું અને આજુબાજુ તપાસ કરતા અન્ય જથ્થો પણ થોડે દુર મળી આવ્યો હતો. જ્યાં ગૌવંશ નું કટિંગ કર્યું હતું. ત્યાંથી વાઢકાપ ની 1 કુહાડી, બે છરા અને પ્લાસ્ટિક ના હાથાવાળો એક સળિયો મળી આવ્યો હતો. જોકે, નગરપાલિકાના સફાઈ કર્મીઓએ ગૌમાંસનો જથ્થો ભરી વજન કાંટા પર વજન કરતા 495 કિલો રૂા. 99 હજારનું થયું હતું. પકડાયેલા ઈસમની અંગઝડતીમાં એક મોબાઈલ અને બાઈક મળી કુલ 1 લાખ 24 હજાર નો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટેલા ઈસમોનું પૂછતાં સમીર બશિર શેખ, ઈરફાન બશિર શેખ બંને રહે લીમડી ચોક, આસિફ આરીફ શેખ ઉર્ફે છૂંગા રહે શેખજીવાડ, તાહિર ઝાકીર મલેક રહે લાઢણીયા રોડ અને જાવેદ અજીત શેખ રહે તળાવ મહોલ્લા શહેરાનું જણાવ્યું હતું.
પશુચિકિત્સકે સેમ્પલ લીધા બાદ ગૌમાંસના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો અને ફરાર અન્ય ખાટકી ઓને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અનેક વખત કતલખાના પર રેડ કરીને 1000 કિલો કરતા વધુ ગૌમાંસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોય તેમ છતાં હજુ પણ નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છૂપી રીતે કતલખાના ધમધમી રહ્યા હોય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.