શહેરા,શહેરા તાલુકાના સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કેડવાના મુવાડા પ્રાથમિક શાળા જર્જરીત હોવા સાથે અહીં બાલવાટિકા સહિત 1 થી 8 ધોરણમાં 4 શિક્ષકો 118 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે. જોકે એક વર્ષ પહેલા આ શાળાના રદ થયેલા અમુક ઓરડાઓ નવીન નહી બનતા વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડવા સાથે શિક્ષણ પર થોડી ઘણી અસર પડી રહી હતી. આ શાળા સહિત તાલુકા વિસ્તારમા આવેલી 30 ઉપરાંત શાળાઓના 200કરતા વધુ ઓરડા રદ કરી દેવામાં આવ્યા બાદ નવીન મંજુર થઈ ગયા હોય તેમ છતાં નવીન બન્યા નથી.
શહેરા તાલુકામાં 244 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે. તાલુકામાં 30 કરતા વધુ પ્રાથમિક શાળાના 150 કરતા વધુ ઓરડાઓ જર્જરીત હોવાથી રદ કરી દેવામાં આવ્યા બાદ નવા નહી બનતા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહયા હતા. આજ તાલુકાના સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કેડવાના મુવાડા પ્રાથમિક શાળામાં 1થી8 ધોરણ માં 118 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હોય છે. આ શાળા વર્ષો જૂની હોવા સાથે દિવાલોમાં તિરાડ પડી ગઈ હોવાથી જોખમી વર્ગ ખંડ થતા અમુક ઓરડાઓ એક વર્ષ પહેલા રદ કરી દેવામાં આવ્યા હતા. ઓરડાઓ નવીન બનશે એવી આશા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખી રહયા હતા. જોકે, વર્ષ પણ બદલાઈ ગયું તેમ છતાં શાળામાં કઈ સુધારો નહીં થતા વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી હોય એમ કહીએ તો નવાઈ નહી. આ શાળામાં બાલ વાટિકા સહિત એક થી આઠ ધોરણમાં ચાર જેટલા શિક્ષકો બાળકોને ભણાવતા હોય ત્યારે કેવું શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું હશે એ વિચારવાનું જ રહ્યું? આ ગામ પશુપાલન અને ખેતી પર નભતું ગામ હોવા સાથે આ ગામના સરપંચ અરવિંદ માછી સહિત વાલીઓ પણ બાળકોને સારૂ શિક્ષણ મળે અને સુવિધા થી સજજ શાળા હોય એવું ઈચ્છતા હોય પણ આ શાળાની પરિસ્થિતિને જોતા ઘણું બધું જોવા મળતું હોય ત્યારે આ શાળાના અમુક વર્ગખંડો જર્જરીત હોવા સાથે વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે શિક્ષણ વિભાગની આવી લાલિયાવાડી અહી જોવા મળી રહી હોય તે આને જોતા જ ખબર પડી જાય છે. શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રો શાળા ના ભીત પર લખતા હોય છે જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચો પણ કરતા હોય છે. ત્યારે આ શાળાની સમસ્યા જોતા આ સૂત્રો કેટલા સાર્થક ગણી શકાય તે આ જોતા જ દેખાઈ આવે છે.
કેવડાના મુવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જયંતિભાઇ પટેલીયા….
શાળાના અમુક ઓરડા એક વર્ષ પહેલા રદ કરી દેવામાં આવ્યા છે. શાળાના રદ કરવામાં આવેલા ઓરડાની મંજૂરી પણ આવી ગઈ છે. આ 1 થી 8 ધોરણની શાળા છે અને ચાર શિક્ષકો અમે વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ છીએ…
અરવિંદ માછી સાદરા ગામના સરપંચ….
સાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ત્રણ પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળામાં અમુક ઓરડાઓ જર્જરિત હોવાથી રદ પણ કરવામાં આવ્યા છે. વહેલી તકે આ શાળાઓમાં નવીન ઓરડાઓ બને એ માટે મારા લેટરપેડ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. શાળાના ઓરડાઓ વહેલી તકે નવા બનાવવામાં આવે એ માટે ગામના સરપંચ તરીકે શિક્ષણ વિભાગને હું વિનંતી કરૂ છુ.