શહેરા તાલુકાના ધામણોદ ગામની મહિલાએ પતિ તેમજ સાસુ-સસરાના ત્રાસથી કંટાળી ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લટકી જઈ મોતને વ્હાલું કર્યું

શહેરા પોલીસ મથકે પતિ તેમજ સાસુ-સસરા સામે મરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો.

શહેરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામના મનસુખભાઈ ઝવરાભાઈ બારીઆની પુત્રી નામે જશોદાબેનના લગ્ન શહેરા તાલુકાના ધામણોદ ગામના અશ્ર્વિન અર્જુનભાઈ બારીઆ સાથે અંદાજે સત્તરેક વર્ષ અગાઉ થયા હતા.જેઓના લગ્ન જીવન બાદ સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે અને જશોદા તેમજ અશ્ર્વિનનો ઘરસંસાર સારી રીતે ચાલતો હતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પતિ અશ્ર્વિન તેની પત્ની જશોદાબેનને અવાર નવાર કોઈને કોઈ બહાને ઝઘડો તકરાર કરી મારઝૂડ કરતો હતો.

જેની જાણ પિયરીયાને થતા આ બાબતે જશોદાબેનની માતા મંગળીબેન બારીઆએ જશોદાના સાસુ-સસરાને જાણ કરતા તેઓ કહેતા હતા કે તમારી છોકરી ખોટા વહેમ કરે છે. જેથી તમારી છોકરી પણ સારી નથી તેવું કહેતા હતા.ત્યારબાદ છએક માસ અગાઉ પતિ અશ્ર્વિન, સાસુ શારદાબેન બારીઆ તેમજ સસરા અર્જુનભાઈ બારીઆ આ ત્રણેયએ જશોદાબેનને મારમારી શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુકતા જશોદા પોતાના પિયરમાં ચાલી ગઈ હતી અને ગત બે માસ પર પંચો રૂબરૂ સમાધાન થતાં જશોદાબેન સાસરીમાં આવી ગઈ હતી,પરંતુ સમાધાન થયા પછી પણ સાસરિયાં દ્વારા શારીરિક માનસિક અપાતા ત્રાસથી કંટાળી મંગળવારના રોજ વહેલી સવારે જશોદાબેને સાસરીમાં પોતાના ઘર નજીક આવેલ કુવા પાસેના ખાડામાં ઝાડ સાથે દોરવા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત લાવ્યો હતો.

ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક જશોદાબેનના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતરાવી શહેરા ખાતે પી.એમ. માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર બાબતે જશોદાબેનની માતા મંગળીબેન મનસુખભાઈ બારીઆએ પતિ અશ્ર્વિન બારીઆ, સાસુ શારદાબેન અર્જૂનભાઈ બારીઆ અને સસરા અર્જુનભાઈ સોમાભાઈ બારીઆ આ ત્રણેય વ્યક્તિઓ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે મરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.