- વલ્લભપુર ગામની ગૌચર જમીનમાં નોંધ પાડવાના વિરોધમાં આત્મવિલોપન ચિમકી ઉચ્ચારી હતી.
- ગોધરા સેવા સદન અને પ્રાંત કચેરીમાં ચાર-ચાર વ્યકિતઓએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી.
- વલ્લભપુર ગામની ગૌચર જમીન પચાવી પાડવાના કિસ્સામાં અગાઉ જીલ્લા કલેકટરને રજુઆત કરાઈ હતી.
શહેરા,
શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ ઇ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી અને બે કાચી નોધ પાડવાના આક્ષેપ સાથે વલ્લભપુર ગામના આઠ યુવાનો દ્વારા જિલ્લા કલેકટર અને પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી. રજૂઆત કરનાર આઠ યુવાનો પૈકીના ચાર યુવાનો પ્રાંત કચેરી અને ૪ યુવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ આત્મવિલોપન કરવાના હતા. તાલુકા સેવા સદનની બહાર પોલીસે આઠ વ્યક્તિઓને આત્મવિલોપન કરતા અટકાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરાના વલ્લભપુર ગામે સર્વે નંબર ૬૫૭ ઇ (૯૮૧૪) આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકો એ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. આ ગામના જાગૃત નાગરિકો લીઝમાં ખોદકામ કરેલની માપણી કરીને યોગ્ય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરે તેવી આશા રાખી રહ્યા હતા. આ ગામના યુવાન સોલંકી ગજેન્દ્રસિંહ, સોલંકી જશપાલસિંહ, મુકેશભાઈ, અરવિંદભાઈ, સોલંકી યુવરાજસિંહ તેમજ સોલંકી જશવંતસિંહ સહિતનાઓ એ મામલતદાર કચેરી ખાતે કથિત ખોટી રીતે એક પાકી અને બે કાચી નોધ પડી હોવાનો આક્ષેપ સાથે આ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી, સાથે મામલતદાર કચેરી ખાતે ગૌચર જમીનમાં પાડેલ કુલ ત્રણ નોંધ રદ નહીં કરવામાં આવેતો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ વલ્લભપુર ગામના આઠ જેટલા યુવાનો લીઝની જમીનમાં પાડેલ એક પાકી અને બે કાચી નોંધ રદ કરવા આઠ પૈકીના ચાર યુવાનો કલેકટર કચેરી ખાતે અને બીજા ચાર યુવાનો પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી. જેને લઈ સંબંધિત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને તેઓની ભાળ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહયા હતાં, અને ગમે તે રીતે જવાબદાર તંત્ર તેઓને આત્મવિલોપન ન કરે તેના માટેની કવાયત હાથ ધરી હતી. જે અંતર્ગત તાલુકા સેવા સદન ખાતે વહેલી સવાર થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર સેવાસદન કચેરીને પોલીસના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી હતી. અંદાજીત ૩.૩૦ વાગ્યાના અરસામાં આત્મવિલોપન કરનારા ૪ યુવાનોની જગ્યાએ ૮ વ્યક્તિઓ સેવાસદનના પટાંગણમાં આત્મવિલોપન માટે ધસી આવ્યા હતા. જેઓને પટાંગણની બહાર જ પોલીસે આત્મવિલોપન કરે તે પહેલા રોકી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની કોવિડ ૧૯ ની માર્ગદર્શિકા મુજબ તમામનો ટેસ્ટ કરાવી અટકાયત કરવામાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. આત્મવિલોપન કરનાર યુવાનો પોલીસ સમક્ષ વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનમાં પાડેલ ત્રણ નોંધો રદ કરે અને યોગ્ય તપાસની માંગ કરી રહયા હતા.
શહેરા તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપન કરનાર આઠ વ્યક્તિઓ ને પોલીસે આત્મવિલોપન કરતા રોકી ને કોવીડ ૧૯ની માર્ગદર્શિકા મુજબ તમામનો ટેસ્ટ કરવામાં આવેલ હતો. પોલીસે આઠ વ્યક્તિઓને અટકાયત બાદ આગળની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકા સેવા સદન ખાતે વલ્લભપુર ગામના આઠ વ્યક્તિઓ આત્મવિલોપન કરનાર હોવાથી આરોગ્ય અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે મામલતદાર, પ્રાંત કચેરી સહિતના અન્ય કચેરી ખાતે વહીવટી કામ અર્થે આવતા લોકો ને પરત જવાનો વારો આવ્યો હતો. સમગ્ર તાલુકા સેવા સદન સુમસામ જોવા મળ્યું હતું.
શહેરાના વલ્લભપુરના ગૌચર જમીનમાં મામલતદાર કચેરી ખાતે પાડેલ એક પાકી અને બે કાચી નોંધ મળી ને કુલ ત્રણ નોંધો રદ થાય તે માટે સ્થાનિક ગામના આઠ વ્યક્તિઓ માંથી ચાર કલેકટર કચેરી અને ચાર પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન સોમવારના રોજ કરવાના હતા.જોકે આ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા ગયા ના હતા. તમામ આઠ વ્યક્તિઓ આત્મવિલોપન કરવા તાલુકા સેવા સદન ખાતે આવતા પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા. પોલીસે આત્મવિલોપન કરનારને પોલીસ મથક ખાતે લઇ જઇને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
૧)જશપાલ સિંહ સોલંકી,
૨)શક્તિસિંહ સોલંકી,
૩)યુવરાજ સિંહ સોલંકી,
૪) ગજેન્દ્રસિંહ સોલંકી,
૫) યોગેન્દ્ર સિંહ સોલંકી,
૬) પૃથ્વી સિંહ સોલંકી,
૭) અરવિંદ નાયક,
૮) મુકેશ નાયક.