
શહેરા તાલુકાપંચાયત કચેરી ખાતે થયેલી છુટા હાથની મારામારી મામલે શહેરા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ,પોલીસે ૭ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..
ગત સોમવારના રોજ પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગ્રામપંચાયતના સરપંચના પતિ વાલમસિંહ મગનભાઈ અને નાડા ગામના જયેન્દ્રસિંહ વણઝારા સહિત અન્ય વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી અને છુટા હાથની મારામારી થઈ હતી,જે મામલે શહેરા પોલીસ મથકે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી,જે પૈકી નાડા ગામના જ્યેન્દ્રસિંહ વણઝારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે તેમની ઉપર જી.આર.એસ. અને તલાટીનો ફોન આવેલ કે સરપંચ નંદાબેન એવું કહે છેકે મસ્ટરમાં સરપંચની સહી ખોટી કરેલ છે જેથી તમે રૂબરૂ આવી પુછી લો તેમ કહેતા જ્યેન્દ્રસિંહ તેમજ જયંતિ ભૂરાભાઈ બારીઆ, રતનસિંહ શનાભાઈ નાયક અને દિલીપભાઈએ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ સરપંચ નંદાબેન અને તેમના પતિ વાલમસિંહને કહેલ કે તમે મસ્ટરમાં સહી કરી આપી છે અને ખોટું કેમ બોલો છો તેમ કહેતા સરપંચ અને તેમના પતિ ગમેતેમ ગાળો બોલી સરપંચના પતિએ જ્યેન્દ્રસિંહને બે-ત્રણ લાફા મારી તેમની સાથેના જશુ મોહનભાઈ પટેલ અને નગીનભાઈએ મુક્કા માર્યા હતા, જ્યારે જયંતિભાઈ તેમજ રતનસિંહ નાયક અને દિલીપ નાયકને પણ સરપંચના પતિ વાલમસિંહ અને જશુભાઈ તેમજ નગીનભાઈએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ જ્યેન્દ્રસિંહ વણઝારાએ નોંધાવી હતી, જ્યારે નાડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વાલમસિંહ મગનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.૨૯ના રોજ મનુભાઈ સુખદેવભાઈ બારીઆ પેવર બ્લોકના કામ માટેના મસ્ટર લઈને સહી કરાવવા આવતા વાલમસિંહે કહેલ કે અમે કામ જોઈને મસ્ટરમાં સહી કરીશું તેમ કહી સરપંચના પતિએ સ્થળ પર જઈ કામ જોતા અધૂરું અને અન્ય જગ્યાએ થયેલાનું જણાયેલ ન હોવાથી વાલમસિંહે કહેલ કે તાલુકાપંચાયત ખાતે ચર્ચા કર્યા પછી સહી કરીશું તેમ કહી મસ્ટરો તેમને પાછા આપી દીધા હતા,અને તે દિવસની રાત્રિએ વાલમસિંહના ભત્રીજાએ જી.આર.એસ. ને ફોન કરતા મસ્ટર ઉપર તમારા સહી સિક્કા થયેલા છે તેમ જી.આર.એસ.એ જણાવતા અમે સહી સિક્કા કર્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી આ બાબતે તા.૩૦મી એ ગ્રામ પંચાયતના સરપંચ નંદાબેન અને તેમના પતિ વાલમસિંહ તેમજ ગામના અન્ય વ્યક્તિઓ સાથે તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપી જતા હતા તે સમયે જ્યેન્દ્રસિંહ ફતેસિંહ વણઝારા તેમજ જયંતીભાઈ ભુરાભાઈ બારીઆ અને હઠેસિંહ પુનાભાઈ બારીઆ સરપંચના પતિ વાલમસિંહને ગાળો બોલી ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા,જ્યારે તેમની પત્ની સાથે ઝપાઝપી કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાલમસિંહ પટેલે શહેરા પોલીસ મથકે નોંધાવી હતી.આમ તાલુકા પંચાયત કચેરી ખાતે થયેલી મારામારી મામલે શહેરા પોલીસે બંને પક્ષો એ સામસામે ફરિયાદ નોંધવતા પોલીસે પ્રથમ ફરિયાદના આધારે સરપંચ નંદાબેન વાલમસિંહ પટેલ,વાલમસિંહ મગનભાઈ પટેલ, જશુભાઈ મોહનભાઈ પટેલ,નગીનભાઈ જશુભાઈ પટેલ તેમજ બીજી ફરિયાદના આધારે જ્યેન્દ્રસિંહ ફતેસિંહ વણઝારા, જયંતીભાઈ ભુરાભાઈ બારીઆ અને હઠેસિંહ પૂનાભાઈ બારીઆ આમ કુલ ૭ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.