શહેરા તાલુકા પંચાયતના સભ્ય જે.બી.સોલંકી આત્મવિલોપન કરે તે પહેલા અટકાયત કરી કાર્યવાહી કરાઈ

શહેરા,\ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત સદસ્ય જશવંત સિંહ સોલંકી બુધવારના રોજ આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેમને ડીટેઇન કરીને કાર્યવાહી હાથધરી હતી. જોકે તાલુકા પંચાયત સદસ્ય વર્ક ઓર્ડર લાવ્યા હોય પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરકારી તળાવ ઉંડુ કરવાનો ઠરાવ ન કરતા તેમને આનો સખત વિરોધ કર્યો હતો.

શહેરા તાલુકાના વલ્લભપુર ગામના સર્વે નંબર 977 માં આવેલ તળાવ ઊંડું થાય અને ખેડૂતોને ખેતી માટે તેમજ પશુપાલકોના પશુઓને પાણી પીવા માટે મળી રહે તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2023 હેઠળ તળાવ ઊડું કરવા માટે નો વર્ક ઓડર વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી દ્વારા લાવવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયત કચેરીમાં મળેલ સામાન્ય સભામાં ઉપસ્થિત સરપંચ અને સભ્યોએ આવનાર ગ્રામસભામાં નિર્ણય લેવાનો નક્કી કરતા જેથી તાલુકા પંચાયત સભ્ય જે.બી.સોલંકીએ આનો સખત વિરોધ કરવા સાથે રજૂઆત માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને પોલીસ તંત્ર પણ આ બાબતને લઈને એક્શનમાં આવી જવા સાથે વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ના ઘરે વલ્લભપુર ખાતે પહોંચી જઈને તેમની તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને તાલુકા પંચાયત સદસ્ય ઘરે મળી ન આવ્યા હતા. બુધવારના રોજ પોલીસ તંત્ર દ્વારા તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ સોલંકી ને આત્મવિલોપન કરતા રોકવા માટે તાલુકા પંચાયત કચેરી તેમજ મુખ્ય માર્ગો ઉપર પોલીસની અલગ અલગ ટીમો ગોઠવી દેવામાં આવી હતી. બસ સ્ટેશન પાસે 11 વાગ્યાની આસપાસ પી.એસ.આઇ શૈલેષ ડામોર સહિતના સ્ટાફ દ્વારા તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ સોલંકી કાર લઇને આવતા ઉભા રાખીને તેમનો આત્મવિલોપન કરતા રોકીને તેમને પોલીસ મથક ખાતે લઇ ગયા હતા. પોલીસ દ્વારા વાડી તાલુકા પંચાયત સદસ્યને ડીટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.