શહેરા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત કચેરીમાં મનરેગા હેઠળ થયેલા વિવિધ કામોની તપાસ થાય એ માટે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા ગાંધીનગરના સચિવાલયમાં આવેલી મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરાઈ છે. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા એ મનરેગા હેઠળ થયેલા વિકાસના અનેક કામો નિયમ મુજબ નહીં કરવામાં આવતા હોવાના નો આક્ષેપ પણ કરવામાં આવી રહયો છે.
શહેરા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચેકવોલ, માટી મેટલના રસ્તા, સામૂહિક કુવા સહિતના અનેક કામો થતા હોય છે. જ્યારે આ કામો નિયમ મુજબ નહીં થતા હોવાનું લાગતા તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા અને વાડી બેઠકના તાલુકા પંચાયત સદસ્ય જે.બી.સોલંકી એ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પણ લેખિતમાં તેઓ દ્વારા રજૂઆત કરાઇ હતી. જોકે, આ બાબતે ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થાય એ માટે તાલુકા પંચાયત સદસ્ય જશવંત સિંહ સોલંકી તેમના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે પહોંચી જઈને સચિવાલયમાં સંકુલ એકના ચોથા માળે આવેલા મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતોમાં થયેલા મનરેગા શાખા હેઠળ થયેલા કામોની તપાસ માટે ટીમ બનાવવામાં આવે તે સહિત અનેક મુદ્દાઓને લઈને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે તાલુકા પંથકમાં અનેક વિકાસના કામો થતા હોય પણ નિયમ મુજબ થતા હોય છે કે નહીં એ બાબતે તપાસ કરવા માટે જ્યારે તાલુકા પંચાયતના જ વાડી બેઠકના સદસ્ય દ્વારા અનેક આક્ષેપ સાથે રજૂઆત કરાઈ રહી હોય ત્યારે જોવુંજ બની રહ્યુ કે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે પોતાની નૈતિક ફરજ બજાવીને ક્યારે તપાસના આદેશ કરશે એના પર સૌની મીટ મંડાઇ છે. તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા સાથે જવાબદાર અધિકારી દ્વારા પણ વિવિધ થતા કામોનુ નિરીક્ષણ કરવામાં આવતું હોય ત્યારે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા વિકાસલક્ષી કામોની તપાસની માંગ કરવામાં આવતા ચર્ચાનો મુદ્દો તાલુકા પંથકમાં બની જવા સાથે સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવશે કે પછી હોતી હે ચાલતી હૈ એમ જ ચાલશે કે શું? એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી.