શહેરા, શહેરા તાલુકાના શેખપુર ગામના ઈસમે મોજ શોખ માટે પંચમહાલ અને વડોદરા જિલ્લાના અલગ અલગ જગ્યાએથી ડુપ્લિકેટ ચાવીથી 19 જેટલી બાઈકો ચોરી કરી હતી. શહેરા પોલીસ મથકના પી.આઈ.ને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈસમના ધરેથી ચોરીની પાંચ બાઈકો સાથે ધરપકડ કરી હતી.
શહેરા તાલુકા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરને બાતમી મળી હતી કે,શેખપુર ગામે મુવાડી ફળિયામાં રહેતા સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ પાસે શંકાસ્પદ બાઈકો રાખેલ છે. અને હાલમાં ભોટવા ગ્રામ પંચાયત પાસે ઉભો છે. તેવી બાતમીના આધારે શહેરા પોલીસ દ્વારા ઈસમ સામંતસિંહ રાઠોડને ઝડપીને પોલીસ મથકે લઈ ગયા હતા. જયાં પુછપરછ દરમિયાન આરોપી દ્વારા પંચમહાલ-વડોદરા જિલ્લાની અલગ અલગ સ્થળેથી ડુપ્લિકેટ ચાવીની મદદથી 19 જેટલી બાઈકોની ચોરી કરી હતી. અને આ બાઈકો અલગ અલગ ગામોમાં આપી દેવામાં આવી હોવાની કબુલાત કરી હતી.પોલીસે આરોપીના ધરેથી ચોરીની પાંચ બાઈકો તેમજ બંને જિલ્લામાંથી ચોરી કરેલ 19 બાઈકો કિ.રૂ.3,35,000/-રૂ.નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. શેખપુરાના સામંતસિંહ રાઠોડ પોતાના મોજશોખ પુરા કરવા માટે બાઈકો ચોરી કરતો હતો જેને શહેરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.