શહેરા તાલુકાના શેખપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીનો પોકાર

  • હરીજન ફળિયામાં એક મહિનાથી હેડ પંપ બગડી જતા મહિલાઓ હેરાન પરેશાન.
  • બગડી ગયેલ હેડ પંપ રીપેરીંગ થાય એ માટે લાગતી વળગતી કચેરીએ અનેક રજૂઆત તેમ છતાં હેડ પંપ રીપેરીંગ કરવામાં નહી આવતા સ્થાનિક લોકોનો સંબંધિત તંત્ર સામે આક્રોશ.
  • નલ સે જલ યોજના પાછળ મસમોટો ખર્ચો કરવા છતાં અહી નળમાં પાણી નહીં આવતા અહી લોકો માટે યોજના શોભાના ગાંઠીયા સમાન .

શહેરા, શહેરા તાલુકાના શેખપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે પીવાના પાણીના પોકાર ઉઠી રહયા છે. ગામના હરીજન વાસમાં એક મહિનાથી હેન્ડ પંપ બગડી જતા મહિલાઓને પાણી ભરવા માટે આમતેમ ભટકવું પડે છે. જોકે, આ ગામમાં અમુક વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી મહિલાઓ હેરાન પરેશાન થવા સાથે નલ સે જલ યોજનાનું પાણી પણ અહી નહી મળતા તંત્ર સામે ભારે આક્રોશ મહિલાઓ જોવા મળી રહયો હતો.

શહેરા તાલુકાના શેખપુર ગામમાં પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા સાથે નલ સે જલ યોજના પાછળ અંદાજીત એક કરોડ કરતાં વધુ ન ખર્ચો કરવામાં આવ્યો હતો. આ ગામના હરીજન ફળિયામાં એક મહિનાથી હેડ પંપ માં ખામી સર્જાતા પાણીની સમસ્યા હોવાથી મહિલાઓને પાણી ભરવા માટે બીજે જવું પડતું હોય છે. જો કે, બગડી ગયેલ હેડપંપ રીપેરીંગ થાય તે માટે જાગૃત ગ્રામજન બળવંતભાઈએ લાગતી વળગતી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હેડપંપની કામગીરી સંબંધિત તંત્ર દ્વારા નહી કરવામાં આવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ અને બાળકો પાણી ભરવા માટે જતા હોય છે. આ ફળિયામાં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે ચકલીઓ તો મુકવામાં આવી પણ એમાં પણ પાણી નહીં આવતા અહીંના લોકો માટે આ યોજના ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન બની રહી હોય એમ લાગી રહ્યું છે. પાણી સમસ્યા અહીં એકલી નથી. આ ગામના બીજા અમુક વિસ્તારોમાં પણ ઉનાળાની શરૂઆત સાથે મહીલાઓને પાણી ભરવા માટે હેડપંપ અને કુવાનો સહારો લેવો પડી રહ્યો હોય ત્યારે સરકારની અનેક યોજનાઓ કેટલી સાર્થક છે, તે અહીંની પરિસ્થિતિ પરથી જ ખબર પડી જાય છે. આગામી દિવસોમાં બગડી ગયેલ હેડ પંપ રીપેરીંગ કરવામાં નહીં આવે તો મહિલાઓ એકત્રિત થઈને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરનાર છે. બગડી ગયેલ હેડ પંપ રીપેરીંગ નહી કરવામાં આવતા અહીં મહિલાઓનો આક્રોશ સંબંધિત તંત્રના અધિકારીઓ સામે જોવા મળે તે પણ યોગ્ય છે. પશુઓને પણ દૂરથી પાણી લાવીને અથવા દૂર સુધી લઈ જઈને પશુપાલકો પાણી પીવડાવતા હોય ત્યારે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ સર્જાય તે પહેલા જવાબદાર તંત્રના અધિકારીઓ અહીંની મુલાકાત લઈને ગ્રામજનોની આ સમસ્યાને હલ કરે એવી આશા ગ્રામજનો રાખી રહ્યા હતા.