શહેરા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા તાલુકાની 15 ગામોના વિકાસના કામો તપાસ ટીમ બનાવવા આવેદન આપ્યું

શહેરા, શહેરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તાલુકામાં આવેલી 15થી વધુ ગામોમાં થયેલા વિકાસના કામોની તપાસ માટે ટીમ બનાવવામાં આવે તે સહિતની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યુ હતું. જો આગામી દસ દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

શહેરા તાલુકા સેવા સદન ખાતે આવેલ પ્રાંત કચેરીએ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહએ પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકારની યોજનાઓનો દૂર ઉપયોગ કરીને ચેકડેમ, ચેકવોલ, સામૂહિક કૂવા સહિતના વિકાસના કામો માં ગેરરીતી કરીને ભ્રષ્ટાચાર થઇ રહયો છે. વરીયાલ સહિતના 15 કરતા વધુ ગામમાં થયેલા વિકાસના કામોના છેલ્લા વર્ષ 2015 થી 2023 સુધીના જૂના ફોટોગ્રાફ અને હાલના વિકાસના કામોના ફોટોગ્રાફ સાથે સર્વે નંબર અને હાલમાં ચાલી રહેલ વિકાસના કામના કયા સર્વે નંબરમાં ચાલુ છે. એ માટે ટીમ બનાવીને તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવવા સાથે અન્ય મુદ્દાઓ સાથે વિકાસલક્ષી કામોની તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઇ હતી. વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જે રીતે 15 કરતા વધુ ગામોની વિકાસલક્ષી કામોની તપાસની માંગ કરવામાં આવવા સાથે જો આગામી દસ દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં અનેક વિકાસલક્ષી ગ્રાન્ટ ગ્રામજનોના સુવિધા માટે આપવામાં આવતી હોય ત્યારે જવાબદાર કચેરીના અધિકારી દ્વારા પણ જ્યારે વિકાસના કામો થતા હોય ત્યારે તેઓ પોતાના ફરજના ભાગરૂપે સ્થળ પરના કામોનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. જોકે, તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ સોલંકી દ્વારા ગ્રામ્ય વિસ્તારની અમુક ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો સીધો આક્ષેપ સાથે લેખિત અને મૌખિક રજૂઆત પ્રાંત અધિકારીને કરવામાં આવતા જાગૃત નાગરિકોમાં આ ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.