શહેરા તાલુકાના પાનમ જળાશય વચ્ચે આવેલ સીમલેટ બેટ પર રહેતા મતદારોએ નાવડીમાં બેસીને મહેલાણ ખાતે મતદાન મથકે પહોંચી પોતાના મતધિકારીનો ઉપયોગ કર્યો

શહેરા,

શહેરા તાલુકાના પાનમ જળાશય વચ્ચે આવેલ સીમલેટ બેટ પર રહેતા મતદારોએ નાવડીમાં બેસીને મહેલાણ ખાતે આવેલા મતદાન મથકે પહોંચી પોતાના મતધિકારીનો ઉપયોગ કર્યો હતો.

શહેરામાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન સોમવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા સાથે મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું, વિધાનસભા બેઠકમાં સમાવેશ થતા તાલુકાના પાનમ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલ સીમલેટ બેટ ઉપર વસતા મતદારો પણ જીવના જોખમે નાવડીમાં બેસીને મહેલાણ ખાતે આવેલા મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા, મહત્વનું છેકે સીમલેટ બેટ ઉપર કુલ 200કરતા વધુ મતદારો આવેલા હોવા સાથે અહીં વસવાટ કરતા લોકો ને અવર જવર કરવા માટે માત્ર નાવડી નો જ એક સહારો છે,ત્યારે આજે સીમલેટ બેટ ઉપર રહેતા મતદારો પાનમ નદીમાં નાવડી મારફતે મતદાન મથક ઉપર પહોંચી ઉત્સાહ પૂર્વક મતદાન કરી પોતાનો મતધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે સીમલેટ બેટ ઉપર રહેતા મતદારોએ આજે મતદાન તો કર્યું પરંતુ ચૂંટણી બાદ જે પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી જીતશે તે ઉમેદવાર સીમલેટ બેટ ઉપર રહેતા મતદારો માટે કંઈક વિચારશે કે કેમ તે જોવું રહ્યું !! અહીના મતદારો દરેક ચૂંટણીમાં મત આપતા હોય છે. જ્યારે આ વખતે પણ આ ચૂંટણીમાં તેમને પસંદગીના ઉમેદવારને જીતાડવા માટે મત નાખ્યો હોય ત્યારે અહીં લાઈટની સુવિધા સહિત અનેક સુવિધાઓ આવનાર સમયમાં ઉપલબ્ધ થાય તેવી આશા પણ રાખતા હોય છે.

બોક્સ :-
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થવા સાથે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માથી શહેરા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 64.77% ટકા મતદાન નોંધાયું હતું જોકે જે રીતે ગ્રામીણ વિસ્તારમાં મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો જોવા મળી રહી હતી. તેને જોતા મતદાનનો આંકડો આના કરતાં વધારે જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી હતી હાલ તો ચૂંટણી પૂર્ણ થતા તંત્રને પણ હાશકારો થયો હતો.

Don`t copy text!