શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી

  • હત્યારા પતિને એવી શંકા હતી, મરણ જનારને એના જીજાજી સાથે આડા સંબંધ હતા.
  • રયજી નાયક એ તેની પત્ની લલિતાને ગળાના ભાગમાં કુહાડી મારીને હત્યા કરી.
  • મરણ જનાર પરણીતા પોતાના જીજાજીના ત્યાં મજૂરી કામ અર્થે આવી હતી.

શહેરા, શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે પતિએ પત્નીની આડા સંબંધની શંકાએ હત્યા કરી હતી. બનેવીના ઘરે સાળી લલીતા રહેવા આવી હતી. ત્યારે હત્યારા પતિ રયજીને પત્નીના તેના જીજાજી સાથે આડા સંબંધ હશે, એવી શંકાને લઈને તેને પોતાની પત્નીને ગળાના ભાગમાં કુહાડી મારીને હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસ સ્થળ પર પહોંચીનેે જરૂરી કાર્યવાહી હાથ ધરીને હત્યારા રયજીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

શહેરા તાલુકાના અણિયાદ ગામના બિલિયા ફળિયામાં રહેતા રયજીભાઈ નવલાભાઈ નાયક સાથે ગોધરા તાલુકાના ટીંબા ગામની 35 વર્ષીય લલિતાબેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા અને લગ્નજીવન દરમિયાન 3 સંતાનો થયા હતા. પરંતુ પતિ રયજીભાઈ નવલાભાઈ નાયક તેઓની પત્ની લલિતાબેનના ચારિત્ર્યને લઈ અવારનવાર લલિતાબેનની મારઝૂડ કરતા આથી તે પોતાના પિયર ગોધરા તાલુકાના ટીંબા ગામે જતા રહેતા 1 માસ અગાઉ પણ મૃતક લલિતાના પતિ રયજીએ ટીમ્બા જઈ લલિતા અને તેની મા સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને મારઝૂડ કરતા લલિતાબેન શહેરા તાલુકાના મોરવા (રેણા) વાલ્મિકી ફળિયામાં રહેતા તેઓના બનેવી ચીમનભાઈ ઉર્ફે ચેમો ચંદુભાઈ નાયકને ત્યાં રહેવા આવી ગયા હતા. આ તરફ હત્યારો આરોપી રયજીએ મનોમન તેની પત્ની લલિતાને યમસદન પહોંચાડવાનું નક્કી કર્યું હોય એમ સુનિયોજીત કાવતરાના ભાગરૂપે બનાવના 3 દિવસ અગાઉ જ તેના સાઢુંભાઈ ચીમનભાઈને ત્યાં મોરવા (રેણા) ખાતે મજૂરી કામાર્થે આવી પહોંચ્યો હતો. જોકે, બંને પતિ પત્ની રયજીભાઈ અને લલિતા કોઈ પણ પ્રકારનો સંવાદ કરવાનું ટાળી અલગ બેસતાં, 3જી જુલાઈની રાત્રીના રોજ ફરિયાદી ચીમનભાઈ અને તેમનું પરિવાર રાત્રીનું વાળું પતાવી સુઈ જવા માટે જતા ચીમનભાઈ બકરા બાંધવાના ઝૂંપડામાં તો પરિવારના અન્ય સદસ્યો ધાબા ઉપર જ્યારે હત્યારો રયજી અને તેની પત્ની લલિતા ઘરની અંદર સુઈ ગયા હતા. જ્યાં 12 વાગ્યાના અરસામાં ફરિયાદીનો પુત્ર નામે કિરણ પાણી પીવા માટે ઉઠતા તેણે જોયું કે કાંઈક અજુગતું બનવા પામ્યું છે એને જોયું કે તેની માસી લલિતાબેનનું ગળું કપાયેલું હોવાનું અને શરીર નિસ્તેજ લાગતા તેના પિતાને ઝગાડી હકીકતથી વાકેફ કરતા ખંડની અંદર આવી જોતા લલિતાબેનનો મૃતદેહ પડ્યો હતો અને ગળું કપાયેલું હતું. અને આરોપી રયજી ક્યાંયે દેખાતો નહતો અને મૃતદેહની બાજુમાં કુહાડી પડેલી હતી. આથી, શહેરા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા શહેરા પી.આઈ. પ્રવીણ જુડાલ અને પોલીસગણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને શહેરા સરકારી દવાખાને મોકલતા પહેલા એફ.એસ.એલ. અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં હતી. શહેરા પોલીસે હત્યાના આરોપી રયજી નવલાભાઈ નાયકની ભાળ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.