શહેરા તાલુકાના જુના નાડા ગામના બે ફળિયાના રહિશો કાચા માટીવાળા રસ્તાને લઈ ચોમાસામાં કાદવ-કિચડમાંથી પસાર થવા મજબુર

  • અનેક રજુઆતો છતાં રસ્તાની માંગણી સંતોષાઈ નથી
  • બાળકો, વૃદ્ધોને કાદવ-કિચડમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓ

શહેરા તાલુકાના જુના નાડા ગામે રહેણાંક ધરોને જોડતા કાચા માટીવાળા રસ્તાને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસાની સીઝનમાં કાચા રસ્તાને લઈ કાદવ કિચડ થઈ જતાં બાળકો અને વૃદ્ધોને આવા કિચડમમાંથી પસાર થવુ પડતુ હોય છે. ગ્રામજનો દ્વારા અનેક રજુઆતો કરવા છતાં આજદિન સુધી રસ્તાની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી.

શહેરા તાલુકાના જુના નાડા ગામે બારીયા ફળિયા તેમજ પટેલ ફળિયામાં 50 ઉપરાંત રહેણાંક ધરો આવેલ છે. આ બંને ફળિયાને જોડતો કાચો રસ્તો છેલ્લા 20 વર્ષથી માટી વાળો અને બિસ્માર હોવાથી ગ્રામજનો દ્વારા તંત્રમાં અનેકવાર રસ્તાની કાયમી સમસ્યા દુર કરવા રજુઆતો કરવામાં આવી હોય છતાં પણ કાચા રસ્તાનો નિકાલ આવ્યો નથી. હાલ ચોમાસાની સીઝન હોય ત્યારે કાચા માટીવાળા રસ્તામાં કાદવ-કિચડને લઈ લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. કાદવ-કિચડને લઈ બાળક લઈને પસાર થતાં સ્લિપ ખાઈ જવાના બનાવો બનતા હોય છે.

અભ્યાસ અર્થે શાળામાં જતાં બાળકોને કાદવ-કિચડમાંથી મજબુરીમાં પસાર થવુ પડે છે. જુના નાડા ગામના આ બે ફળિયાઓમાં કોઈ આકસ્મિક બિમારીમાં 108માં લઈ જવાના હોય તો 108 પણ આવી શકતી નથી. જેને લઈ બિમાર વ્યકિતને ખાટલામાં લાવવા પડે તેવી સ્થિતિ છે. લાગતા વળગતા તંત્રને ગ્રામજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં રસ્તાની સમસ્યા હલ થતી નથી. આવા આધુનિક યુગમાં અવર જવર માટે રસ્તાની સમસ્યાનુ સમાધાન કરવામાં આવે અને આરસીસી અથવા ડામર રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે.