શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ

  • ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર અને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી.
  • જેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવ્યુ.
  • દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું તંત્ર સામે અનેક વખત જણાવી રહ્યા હોવાથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા વધુ દસ દિવસની મુદત અપાઈ.

શહેરા, શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા દબાણ કરનારને દસ દિવસનો સમય આપવા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર દુકાનમાંથી એક દુકાન જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી હતી.

શહેરા તાલુકામાં સરકારી જગ્યાઓમાં દિન પ્રતિદિન દબાણ વધતા હોય એવા કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવતા હોય એમ લાગી રહ્યું છે. તાલુકાના ધારાપુર ગ્રામ પંચાયત એ વર્ષ 1980માં પાનમ સિંચાઈ વિભાગને માઇનોર સાંકળ 3,050 મીટર પર ચોકી માટે જગ્યા ફાળવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા મળેલ ખરાબાની જમીનમા પાનમ સિંચાઇ વિભાગ એ પાકી ઈંટોની દીવાલની પતરાના શેડની ચોકી કર્મચારીઓ ને બેસવા માટે બનાવવામાં આવી હતી. વર્ષ 2021 માં વરસાદના કારણે ચોકી ધરાશાયી થઈ જતા આ જગ્યા પર થોડા મહિનાઓ પહેલા એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાનું પાનમ સિંચાઈ વિભાગને માલુમ થતા ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર ભરવાડ ખાતુભાઇ ને આ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. બુધવારના રોજ પાનમ સિંચાઈ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સબંધિત તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ચાર દુકાનો પાકી ઉભી કરવામાં આવી હતી. તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ ેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવવા સાથે દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું તંત્ર સામે અનેક વખત જણાવી રહ્યા હોવાથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા વધુ દસ દિવસની મુદત આપવામાં આવી હતી.આગામી દિવસોમાં દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈ દ્વારા આ જમીન અંગેના જરૂરી કાગળો તંત્ર સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તો નવીન બનેલ દુકાનો સામે બુલડોઝર ફેરવી દેવામાં આવે તો નવાઈ નહી. જોકે, ગ્રામ પંચાયત દ્વારા સરકારી જગ્યામાં આ સમગ્ર દબાણ ઊભું થયેલ હોવાના કારણે અનેક વખત નોટિસો પણ ભરવાડ ખાતુભાઈને આપવામાં આવી હોય ત્યારે જોવું રહ્યું કે, ખરેખર આ દબાણ કે પછી માલિકીની જગ્યાએ તો આવનાર દસ દિવસની અંદર ખબર પડી જનાર છે.