
શહેરા,આજરોજ બાહી કુમારશાળા ખાતે શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. બાહી કુમારશાળા ના 138 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાંથી અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવનાર વ્યક્તિઓને પણ બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા. ગામના વરિષ્ઠ નાગરિક અને શિક્ષણ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવનાર પી.ડી. સોલંકીના અધ્યક્ષ સ્થાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગામ માંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, બાળકોના વાલીઓ, એસએમસીના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા. શાળા માંથી બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને શાળાના મુખ્ય શિક્ષક એ શાળામાં વર્ગખંડ શિક્ષણ કાર્યની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ ઇવેન્ટ યોજવામાં આવે છે તેની માહિતી આપી. શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે ગામમાંથી પધારેલ ગ્રામજનોએ અને દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો અને શાળાના વિકાસ માટે તમામ રીતે સહયોગ આપવાની ખાતરી પણ આપી. બાળકોના આખા વર્ષ દરમિયાનના પરફોર્મન્સને આધારે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા તેમજ દાતાઓને સન્માન પત્ર આપીને સન્માનવામાં આવ્યા. આજના કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને ખુબ સરસ રીતે સંપન્ન કરવામાં આવ્યો. બાહી કુમાર શાળા માંથી જ અભ્યાસ કરીને હાલમાં અધિક કલેક્ટર વડોદરા તરીકે ફરજ બજાવતા ગોપાલચંદ્ર ડી બામણીયા તેમજ ઇજનેર ધવલભાઈ પરમાર અને ડોક્ટર ગુંજન ચૌહાણના શુભેચ્છા સંદેશને વાંચવામાં આવ્યા. સાથે સાથે આજરોજ ધોરણ-8 ના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો.