શહેરા તાલુકાના ડેમલી ગામના બુટલેગર પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો

શહેરા,શહેરા પોલીસે દારૂના ધંધા સાથે સંકળાયેલા ડેમલી ગામના બુટલેગર મગન રાઠોડની પાસા ધારા હેઠળ અટકાયત કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બે કરતા ગુનામાં સંડોવાયેલા હોય તેવા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

શહેરા પોલીસ દ્વારા વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય એમ લાગી રહ્યું છે. તાલુકાના ડેમલી ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા અને તાલુકાના પ્રખ્યાત બુટલેગર તરીકે ઓળખાતા 35વર્ષીય મગનભાઈ ચંદુભાઈ રાઠોડ સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી થાય તે માટે જીલ્લા કલેકટરને દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવી હતી. જ્યારે બુટલેગર મગન સામે પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી જીલ્લા મેજીસ્ટ્રેટ આશિષ કુમાર એ પાસાની દરખાસ્ત મંજુર કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને મગન રાઠોડ પોતાના ઘરે હોવાની ખાનગી રાહે માહિતી મળેલ હતી. જેને લઇને પીએસઆઇ જી.એમ.ગમારા સહિતનો પોલીસ સ્ટાફ આરોપીના ઘરે પહોંચી જતા મગન રાઠોડ ઘરે મળી આવતા પાસા ધારા હેઠળ અટકાયત કરીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકામાં હજુ પણ એવા પ્રખ્યાત બુટલેગર હોય જેમની સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા હોય ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તે પણ જરૂરી લાગી રહયુ છે