શહેરા,ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે શહેરા તાલુકા યુવા ભીમ સૈનિકો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. અંદાજીત 150 ઉપરાંત યુવા ભીમ સેના દ્વારા બાઈક રેલી કાઢી ગોધરાના નદીસર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપર્ણ કરવામાં આવ્યું હતું.
14મી એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબનો અવતરણ દિવસ છે. જેને સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ દ્વારા ઉજવવામાં આવે છે. જે અનુસંધાનમાં શહેરા તાલુકાના તરસંગ ગામેથી યુવા ભીમ સેના દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના 10 વાગ્યે તરસંગ ગામેથી બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં અંદાજીત 150 જેટલા યુવા ભીમ સૈનિકો જોડાયા હતા. ડી.જે. પર ડો.બાબા સાહેબ આંબેડકરને લગતા ગીતો વગાડવામાં આવ્યા હતા અને રેલી ત્યારબાદ ગોધરા તાલુકાના નદીસર ગામે પહોંચી હતી. જ્યાં ગામમાં સ્થાપિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સમાજના અગ્રણીઓ દ્વારા માલ્યાપર્ણ કરવામાં આવ્યું હતું અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા.