શહેરા તાલુકા પંચાયતમાં પુન: બીજેપીનું સાશન

શહેરા,
શહેરા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનુ કેસરિયા રાજ આવતા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કચેરીના સભાખંડ પ્રોબેશનલ આઈ.એ.એસ રામનિવાસ ભૂગલિયા અને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

૨૮મી ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ૨ જી માર્ચનાં રોજ ગણતરી યોજાઈ હતી જેમા શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧૧ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તો ૧૯ બેઠાકોમાંથી ૧ અપક્ષ અને ૧ કોંગ્રેસને ફાળે ગઈ હતી. આમ કુલ ૨૮ બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય થયો હતો. જે અનુસંધાને ૧૮મી માર્ચના રોજ તાલુકા પંચાયત કચેરી સભાખંડમાં સવારનાં ૧૧ વાગ્યે પ્રોબેશનલ આઈ.એ.એસ રામનિવાસ ભૂગલિયા અને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની અધ્યક્ષતામા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ની વરણીની પ્રક્રિયા ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં હાથ ધરાઈ હતી. જોકે નાંદરવા બેઠકના ઉમેદવાર ગેરહાજર રહયા હતા. તારીખ ૧૭મી માર્ચના રોજ જિલ્લા કક્ષાએ થી પ્રમુખપદ માટે રયજીભાઈ કાનાભાઈ નાયકા ઉપપ્રમુખ તરીકે ભારતસિંહ પ્રભાતસિંહ સોલંકીના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. આમ બીજી કોઈ દાવેદારી રજૂ ન થતા ઔપચારિકતાની દ્રષ્ટિએ પ્રમુખ તરીકે રયજીભાઈ કાનાભાઈ નાયકા,ઉપપ્રમુખ તરીકે ભારતસિંહ પ્રભાતસિંહ સોલંકીના નામની જાહેરાત થતા સર્વાનુમતે તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખના નામોની વરણી થતા તેઓની સમર્થકો દ્વારા તેઓને હાર તોરા પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આમ ફરી એક વખત તાલુકા પંચાયત ખાતે ભાજપનુ શાસન આવ્યુ છે.