શહેરા પાલિકા ઉમેદવારોની ફોર્મ ચકાસણીમાં વોર્ડ નં.૨,૪ માંથી ૩ અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા

શહેરા,
શહેરા મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે વિવિધ કચેરી ખાતે પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી કરેલ ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પાલિકાના વોર્ડ નંબર ૨ અને વોર્ડ ૪ માં અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ અપક્ષ ના ઉમેદવારો ના ફોર્મ રદ થયા હતા. જ્યારે તાલુકા પંચાયત ની બેઠકમાં ઉમરપુર,માતરિયા વ્યાસ, ગાંગડિયા અને શેખપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ થયેલ છે, તો દલવાડા ખટકપુર અને બોડીદ્રાખૂર્દમાં ભાજપ ઉમેદવારોના આક્ષેપ સાથે તેઓ શૌચાલય ધરાવતાના હોવાની ફરિયાદ કરેલી છે. આથી તેની તપાસ ચાલુ છે.

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ૧૧૨, જિલ્લા પંચાયતમાં ૨૩ અને નગરપાલિકામાં ૬૯ મળીને કુલ ૨૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ-કોંગ્રેસ અપક્ષ અને સૌપ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતની ચુંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પાલિકા ની ચૂંટણીની ચકાસણીમા ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં અપક્ષના ત્રણ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. જેમાં વોર્ડ નંબર ૨માં અપક્ષના ભૂપેશ ચંદુલાલ પાઠક અને પગી સુમિત્રા જ્યારે વોર્ડ નંબર-૪માં સુરેશ ખુશલાણીનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ સમક્ષ ભાજપ ના ઉમેદવારોએ કોંગ્રેસ ના અણીયાદ, નાંદરવા, બોરિયા જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર ના ઘરે શૌચાલય ન હોવાનો વાઘો ઉઠાવ્યો હતો. જેથી ચૂંટણી અધિકારી બારોટ દ્વારા કોંગ્રેસ ઉમેદવારના ઘરે તપાસ માટે ટીમ મોકલવા મા આવી હતી. તાલુકા પંચાયતની ૧૪ બેઠકમાં ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડ સમક્ષ ભાજપ ના અમુક ઉમેદવારોએ કોંગ્રેસ ના ત્રણ ઉમેદવારો સામે વાધો ઉઠાવ્યો હતો. જેમાં માતરિયા વ્યાસ, ઉમરપુરના કોંગ્રેસ ઉમેદવાર ના દરખાસ્ત કરનારે પોતે સહી ન કરી હોવાનો વાઘો ઉઠાવતા ઉમેદવારી પત્ર અમાન્ય ગણવામાં આવ્યું હતું. જ્યારે ગાંગડીયાના કોંગ્રેસ ઉમેદવાર ને વર્ષ ૨૦૦૬ પછી ત્રણ બાળકો ધરાવતા હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસ પક્ષમા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે કે કોંગ્રેસના ડમી ઉમેદવાર ને તો બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તાલુકા પંચાયત ની ઉમેદવારી પત્ર ચકાસણીમાં ચૂંટણી અધિકારી અંકિતા ઓઝા સમક્ષ ભાજપના ઉમેદવારો ચાર કોંગ્રેસ ઉમેદવાર નો વાઘો ઉઠાવ્યો હતો. જેમાં શેખપૂરમાં વધુ બાળક હોવાથી ફોર્મ રદ થવા સાથે દલવાડા ખટકપુર અને બોડીદ્રાખૂર્દમાં શૌચાલયનું તપાસ ચાલુ છે.