શહેરા,શહેરાના બાહી ગામની ધી નવચેતન ઇંગ્લિશ સ્કૂલ ખાતે ચાલુ શાળાએ અંગ્રેજી વિષયના 40વર્ષીય શિક્ષકને હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. શિક્ષક અને યુવાન કવિના નિધનથી શાળા અને તેમના પરીવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
શહેરા તાલુકાની બાહી ગામની ધી નવચેતન ઇંગ્લિશ સ્કૂલ ખાતે શિક્ષક મોહસીન મીરની યાદો વિદ્યાર્થીઓ અને શાળા પરીવાર માટે રહી ગઈ હતી. શાળા ખાતે 40 વર્ષીય શિક્ષક મોહસીન મીર અભ્યાસ કરાવી રહ્યા હતા. ત્યારે છાતીમાં દુ:ખાવો થતા તેઓ ઢળી પડ્યા હતા. તે સમયે વર્ગખંડમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ બુમા બૂમ કરતા શાળાના શિક્ષકો દોડી આવ્યા હતા. હાર્ટ એટેક આવેલ શિક્ષકને સારવાર અર્થે તાત્કાલીક ધોરણે ગોધરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. મોહસીન મીરનું ઉપનામ ‘સ્પર્શ’ હતું. વ્યવસાયેએઓ અંગ્રેજી વિષયના શિક્ષક હતા. તેઓ ગોધરાના વતની હતા. પોતાને આજીવન સાહિત્યના સાધક અને વિદ્યાર્થી માનતા આ કવિએ કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, નાટક, લેખ વગેરે સાહિત્યપ્રકારોમાં હાથ અજમાવ્યા હતો. તેમના સર્જનોમાં સંયુક્ત ગઝલ સંગ્રહ-લઇને અગિયારમી દિશા અને સંયુક્ત ગઝલ સંગ્રહ ગઝલ ગઢનો સમાવેશ થાય છે. ધબક, કવિતા, ગઝલ ગરીમા, જેવા સામયિકોમાં એમની કવિતા પ્રકાશિત થઈ છે. પંચમહાલ જીલ્લામાં સ્પંદન ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકર્તા તરીકે એઓ સાહિત્યપ્રવૃતિને વેગવંતી રાખવા સતત્ પ્રયત્નશીલ હતા. બાહી ગામની ધી નવચેતન ઇંગ્લિશ સ્કૂલમાં 40 વર્ષિય શિક્ષકનું હાર્ટ એટેક થી મોત થતા શાળા તેમજ તેમના પરીવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.