શહેરા સહિત સમગ્ર જીલ્લામાં અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા ચોમાસાની ઋતુ જેવો માહોલ સર્જાયો

શહેરા,શહેરા નગર અને તાલુકામાં રવિવારની સવારથી તાલુકા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો માહોલનો અહેસાસ થયો હતો. અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર બે ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જતા પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા સાથે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

શહેરા તાલુકા પંથકમાં રવિવારની વહેલી સવારથી તાલુકા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો માહોલનો અહેસાસ થયો હતો. કાળા ડિંબાગ વાદળો વચ્ચે અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું જોકે વાતાવરણમાં બદલાવ આવવા સાથે અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા બફરા અને ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી પ્રજાજનોને મુક્તિ મળવા સાથે ગરમીમાં રાહત થઈ હતી. જ્યારે અણીયાદ ચોકડી વિસ્તાર માંથી પસાર થતાં દિલ્હી બોમ્બે હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. સતત વાહનોની અવરજવાળા આ હાઇવે માર્ગ ઉપર બે ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જતા સંબંધિત તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. માર્ગ ઉપર અમુક વાહનો માં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ જતા વાહન ચાલક નો છૂપો આક્રોશ પણ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થઈ જવા સાથે વીજ પોલ પણ અમુક જગ્યાએ નમી ગયા હતા. વરસાદના આગમનના પગલે વીજળી પણ ગુલ થઈ જતા લોકોને અંધારામાં રહેવાનો વાળો આવ્યો હતો. રવિવારના દિવસ દરમિયાન વાતાવરણમાં ઠંડક હોવા સાથે ચોમાસાની ઋતુ જેવો માહોલ સર્જાયો હતો.