શહેરા તાલુકાના સગરાડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જમીનમા મોટા પ્રમાણમાં સફેદ પથ્થરોનું ગેરકાયદેસર ખનન

  • ખનીજ ચોરી વધતા સરકારી તિજોરી ને મસ મોટુ નુક્શાન.
  • ખાણ ખનીજ વિભાગ સહિતનું અન્ય તંત્ર કાર્યવાહી કરવામાં ખચકાઈ રહયુ.
  • ખનીજના નિયમોને બાજુમાં મૂકીને રોયલ્ટી પાસ વગર તેમજ ઓવર લોડ સફેદ પથ્થરો ભરીને અમુક ટ્રકો મામલતદાર કચેરી તેમજ ફોરેસ્ટ વિભાગની કચેરી પાસેથી પસાર થતી હોય.

શહેરા,
શહેરા તાલુકાના સગરાડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જમીનમાં મોટા પ્રમાણમાં સફેદ પથ્થરો આવેલ છે. રોયલ્ટી પાસ વગર અમુક ટ્રકોમાં સફેદ પથ્થરો ઓવર લોડ ભરીને બેરોકટોક હેરાફેરી થઈ રહી છે. તાલુકામાં ખનીજ ચોરી વધતા સરકારી તિજોરીને મસ મોટું નુક્શાન જઈ રહયુ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સહિતનું અન્ય તંત્ર આ સામે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહયુ છે.

શહેરા તાલુકા સગરાડા, છોગાળા, શેખપુર સહિતના વિસ્તારમાં આવેલી જમીનમાં મોટા પ્રમાણમાં સફેદ ચમકતા પથ્થરો આવેલ છે. ખનિજ ચોરો હાલ તાલુકા માંથી લીજ ન હોવા છતા ખનિજ ચોરી કરતા ગભરાતા નથી. સગરાડા સહિતના વિસ્તારમાં લીજ ન હોવા છતા પાછલા કેટલાક સમય થી બેરોકટોક સફેદ પથ્થરો કાઢવામાં આવી રહયા છે. ખાણ ખનીજના નિયમોને બાજુમાં મૂકીને રોયલ્ટી પાસ વગર તેમજ ઓવર લોડ સફેદ પથ્થરો ભરીને અમુક ટ્રકો મામલતદાર કચેરી તેમજ ફોરેસ્ટ વિભાગની કચેરી પાસેથી પસાર થતી હોવા છતાં આ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જ્યારે ખનિજ ભરેલ ટ્રકો દિવસ એ ઓછી અને રાત્રિ દરમિયાન તો વધુ પસાર થતી હોય છે. ઓવરલોડ ખનીજ ભરેલ હોવા સાથે નિયમોનું પાલન નહી થઈ રહયુ હોવા છતાં આ સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક તંત્ર જાણે કોઈના આદેશની રાહ દેખતા હોઈ એટલા માટે કાર્યવાહી કરતા નથી કે પછી કોઈ અન્ય કારણોસર ખનિજ ચોરી થતી અટકાવા માટે કાર્યવાહી કરતા ખચકાઇ રહયા છે કે શું ? ખનિજ ચોરી કરતા ખનિજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગ સહિત સ્થાનિક તંત્ર આ સામે કોઈ જ કાર્યવાહી નહી કરતા ખનીજ ચોરોને ઘી કેળા થઇ ગયા છે, જ્યારે બીજી તરફ સરકારી તિજોરીને મહિને મસમોટુ નુકશાન જઈ રહયું છે. તાલુકામાં બેરોકટોક થતી ખનિજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ સહિત સ્થાનિક તંત્ર પોતાની નૈતિક ફરજ નિભાવે તો સરકારી તિજોરીને લાખો રૂપિયાનું થતું મસમોટુ નુકશાન અટકી શકે તેમ છે.

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી સફેદ પથ્થરો જમીન માંથી કાઢીને ટ્રકોમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હેરા ફેરી થઈ રહી છે. સફેદ પથ્થરો ભરીને જતી ટ્રકોના ચાલક પાસે લાયસન્સ તેમજ વાહનનો વીમો છે કે નહી તે તપાસ પોલીસ અને આર.ટી.ઓ દ્વારા કરવામાં આવવી જોઈએ તે જરૂરી છે.