
શહેરા, શહેરા રામજી મંદિર ખાતે ભજન કીર્તન સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વર્ષ 1992 માં અયોધ્યા ગયેલા જીગ્નેશભાઈ પાઠક સહિતના કાર સેવકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
શહેરા નગરના અંધારી ભાગોળ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શનાર્થે ઉંમટી આવ્યા હતા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે રામજી મંદિર ખાતે ભજન કીર્તનની રમઝટ જામતા ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વર્ષ 1992માં અયોધ્યા ગયેલા જીગ્નેશ શિવશંકર પાઠક,પ્રકાશ ચંદ્ર સાકળચંદ સોની, અશોક કુમાર મોહન લાલ જાગિયાણી,નારૂભાઈ મેઘવાણી, રૂપચંદભાઈ સેવકાણી, નિલેશ શુક્લ સહિતના કાર સેવકોનુ ફૂલ હાર પહેરાવીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ. મંદિર ખાતે ભગવાન શ્રીરામની મહા આરતી સાથે મહા પ્રસાદીનો લ્હાવો ભક્તો એ લીધો હતો. સાંજ પડતા ની સાથે નગર વિસ્તારમાં ફટાકડા અને આતશબાજી થતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ બ્રાહ્મણ સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, 1992માં હું અયોધ્યા ખાતે ગયો હતો અને ત્રણ દિવસ સુધી અમે ત્યાં રોકાયા હતા. કાર સેવક તરીકે મારૂ સન્માન સ્મસ્ત હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે અયોધ્યા રામ મંદિર ખાતે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા સમગ્ર હિન્દુ સમાજ પણ ખુશ ખુશાલ છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર જીલ્લામાં ભક્તિમય માહોલ સાથે રામભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.