શહેરા પોલીસે વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રૂપિયા 23 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • પોલીસે ત્રણ દિવસમાં રૂપિયા 34 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

શહેરા,

શહેરા તાલુકાના નાંદરવા ગામના બસ સ્ટેશન પાસેના એક મકાન માંથી પોલીસે બાતમીના આધારે રૂપિયા 23 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે ત્રણ દિવસની અંદર રૂપિયા 34 લાખનો દારૂનો જથ્થો પકડી પાડતાં છુપી રીતે દારૂનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

શહેરા વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે રૂપિયા 23 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને ખાનગી રાહે દારૂની બાતમી મળતા તેઓની સૂચનાથી પી.એસ.આઇ. સતીષ કામોળ અને એસ.એમ. ડામોર એ સ્ટાફના માણસોને સાથે રાખીને તાલુકાના નાંદરવા ગામના બસ સ્ટેશન પાસે આવેલ એક મકાનમાં તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 400 પેટી દારૂ ને પોલીસ મથક ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પોલીસે 23લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવા સાથે આ દારૂ કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે પોલીસે એક દિવસ અગાઉ પણ તાલુકાના ઉમરપુર ગામ અને આંબાજટી ગામથી 12 લાખનો દારૂ ઝડપી પાડ્યો હોય ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં છૂપી રીતે લોકોને પહોંચાડવા માટે આ દારૂ મંગાવવામાં આવ્યો હશે કે પછી કોઈ બુટલેગર એ વેચાણ માટે આટલો મોટો દારૂનો જથ્થો મંગાવ્યો હશે કે શું ? જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક માત્ર શહેરા પોલીસે ત્રણ દિવસમાં રૂપિયા 34 લાખનો દારૂ પકડી પાડયો હતો.