શહેરા પોલીસે 6 બાઈક સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ મહીસાગર, વડોદરા અને પંચમહાલ જીલ્લામાંથી છ જેટલી બાઈકની ચોરી કરી હતી.
શહેરા નગર અને તાલુકામાં બાઈક ચોરીના ગુના પોલીસ મથક ખાતે નોંધાઈ રહ્યા હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને એક ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ખાનગી રાહે માહિતી મળતા ખરોલી ગામના કલ્પેશ પરમારને પોલીસ મથક ખાતે લાવીને કડક પૂછપરછ કરતા બાઈકની ચોરી કરી હોવાનું કબુલ કરવા સાથે તેને ચોરી કરેલ બાઈક કયા વેચી હોવાની માહિતી પણ પોલીસને આપી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી બાઈકોની રીકવરી કરી હતી. પોલીસ દ્વારા મહીસાગર, વડોદરા અને પંચમહાલ જીલ્લા માંથી ચોરી થયેલ છ જેટલી મોટર સાયકલના ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હોવા સાથે ચાર આરોપીઓને પકડી પાડીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ બાઈક ચોરીના ગુનાનો મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભયલી ઉદાભાઈ પરમાર આ પહેલા પણ ડાકોર અને બાલાસિનોર પોલીસ મથક ખાતે બાઇક ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. બાઈક ચોર કલ્પેશ પરમાર જેલમાંથી છૂટ્યા બાદ પોતાના મોજ શોખ પુરા કરવા ફરીથી બાઈક ચોરી કરવા માંડ્યો હોય પરંતુ પોલીસની બાજ નજર હોવાથી પાછા જેલના સળિયા ગણવાનો વાળો આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની હાલમાં પણ પૂછપરછ કરાઈ રહી હોય ત્યારે અન્ય ચોરીના ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત અને સ્ટાફના મહેનતના કારણે બાઈક ચોરીના રીઢા ગુનેગારને પકડી પાડવામાં સફળતા મળવા સાથે પોલીસ દ્વારા ચોરીમાં પકડાયેલી નંબર પ્લેટ વગરના વાહનના ચેચીસ નંબરના આધારે આરટીઓ માંથી માહિતી મેળવીને બાઈક માલિક સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.