શહેરા,
શહેરા તાલુકાના બીલીથા ગામે પત્નીની હત્યા કરનાર પતિની લાશ ઘરથી થોડે દૂર આવેલ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી.પોલીસે હત્યાના આરોપીની લાશ ને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે હત્યાના આરોપીની લાશ કુવામાંથી મળી આવતા અનેક સવાલો પોલીસ માટે ઊભા થતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બીલીથા ગામે રહેતા રતીલાલ ચતુરભાઈ નામના ઈસમની છોકરીના તેઓની સાળીના છોકરા સાથે આડાસંબંધ હોવાની વાતો સમાજમાં થતી હોવાને લઈને રતીલાલે સમાજનું પંચ સેવાલીયા ખાતે ભેગું કર્યું હતું. જેમાં સાળી, સાઢુભાઈ અને તેનો છોકરો સમાજના પંચમાં નહીં આવતા આ બાબતની અદાવત રાખી રતીલાલ ચતુરભાઈએ આજથી ત્રણ દિવસ અગાઉ કોઈ તીક્ષ્ણ હથિયાર પોતાની પત્ની નંદાબેનને ગળાના ભાગે મારી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ હત્યાને અંજામ આપી હત્યારો આરોપી રતિલાલ પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે રતીલાલ સામે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે પત્ની હત્યા કરી ફરાર થયેલ હત્યારા પતિ રતીલાલની લાશ રવિવારની મોડી સાંજના સમયે બીલીથા ગામના હડકાય માતાના મુવાડા ફળિયામાં તેઓના ઘરથી થોડે દુર આવેલ કુવામાંથી મળી મળી આવી હતી. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક રતિલાલની લાશને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે હત્યાના આરોપીની લાશ મળવાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે હત્યાના આરોપી રતિલાલની લાશ કુવામાંથી મળી આવતા અનેક સવાલો પોલીસ માટે ઊભા થતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શંકાના કારણે એક પરિવાર નું જીવન જીવવું મુશ્કેલ બનવા સાથે બે દીકરા અને બે દીકરીઓ એ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.