શહેરા,
શહેરા પોલીસે પશુ દવાખાના પાસેના રહેણાંક ઘરમાં ધમધમી રહેલા કતલખાના પર રેડ કરતા 325 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 325 કિલો ગૌમાંસનો જથ્થો તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને રૂપિયા 66,750/-ના મુદ્દામાલ જપ્ત કરીને બે કસાઈને પકડી પાડયા હતા. પોલીસે પકડી પાડેલા બે કસાયોની પૂછપરછ હાથ ધરવામાં અનેક નામો ખુલી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.
શહેરા ગોધરા હાઇવે માર્ગ ઉપર આવેલા પશુ દવાખાના પાસેના એક રહેણાંક ઘરમાં મોઈન બેલીમ અને મોહસીન બેલીમ ગૌમાંસનો ગેરકાયદેસર વેપલો કરતા હોવાની માહિતી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને મળી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ મથકના પી.એસ.આઇ શૈલેષ ડામોર અને પી.એસ.આઇ સતીષ કામોળ સહિત પોલીસનો અન્ય સ્ટાફ સ્થળ ખાતે પહોંચી જઈને સમગ્ર વિસ્તારને ઘેરી લઈ રેઈડ કરી હતી. પોલીસ દ્વારા રહેણાંક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ત્યાં જોવા મળતા દ્રશ્યોને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પરથી પોલીસને ગૌમાંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 325 કિલો ગૌમાંસનો જથ્થો કબજે લઈ તેના પૃથ્થકરણ માટે સ્થળ પર પશુ ચિકિત્સકને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નગર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા તમામ જથ્થાનો જમીનમાં દાટી દઈ નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખીય છે કે, ગેરકાયદેસર ગૌમાંસનો આટલો મોટો જથ્થો પોલીસ દ્વારા અહીંથી પકડવામાં આવ્યો હોય ત્યારે હજુ પણ અનેક જગ્યાએ છુપી રીતે આવા કતલખાના ચાલતા હશે તો નવાઈ નહી, પોલીસે કસાઈ મોઈન ઉર્ફ મયુદ્દીન યુસુફ ઉર્ફે ઈસુબ બેલીમ ઉંમર 23 રહે.પશુ દવાખાના પાસે શહેરા, મોહસીન યુસુફ ઉર્ફે ઇસુબ બેલીમ રહે. પશુ દવાખાના પાસે શહેરાની ધરપકડ કરવામાં આવવા સાથે પકડાયેલ કસાઈની પૂછપરછમાં બીજા અન્ય ઇસમોના નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે. પોલીસે કતલખાના પરથી 325 કિલો ગૌમાંસનો જથ્થો તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને રૂપિયા 66,750/-ના મુદ્દામાલ જપ્ત કરીને બે કસાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ દ્વારા પકડી પાડેલા આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ સાથે તપાસ કરવામાં આવે તો અન્ય નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે.