શહેરા,
શહેરા પોલીસ મથક ખાતે પાણીની મોટરની ચોરી અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે ઇલેક્ટ્રિક મોટર ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી ચોરી થયેલી મોટર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામે આવેલ મજેલાવ ફળિયામાં એક ખેડૂતે પોતાના ઘર નજીક મૂકી રાખેલ પાણી કાઢવાની મોટર કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયા ગયા હતા. જે બાબતે શહેરા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ચોરાયેલી પાણીની મોટર ધામણોદ ગામના મજેલાવ ફળિયામાં રહેતા આરત સૂકાભાઈ નાયક અને મહેન્દ્ર સાલમભાઈ નાયક આ બંનેએ ભેગા મળી ચોરી કરી આરત નાયકે તેના ઘરે સંતાડી રાખેલ હોવાની બાતમી શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપૂતને મળી હતી. જે બાતમીના આધારે શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.ડામોર સહિતના પોલીસના માણસોએ ધામણોદ ગામના રહેતા આરત નાયકના ઘરે જઈ તપાસ કરતા આરત સૂકાભાઈ નાયક અને મહેન્દ્ર સાલમભાઈ નાયક આ બંને ઈસમો મળી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘરમાં તપાસ કરતા એક મીણીયાના થેલામાં સંતાડી રાખેલી એક લૂબી કંપનીની મોટર મળી આવી હતી. જેને લઇને પોલીસે આ મામલે બંને ઇસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પાણીની મોટર અમો બંનેએ ભેગા મળી બે દિવસ પહેલા અમારા ફળિયા માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, સાથે આ અગાઉ આજથી આશરે એકાદ મહિના પહેલા મીઠાલી ગામની નદી માંથી પણ એક પાણીની મોટર ચોરી કરી હતી પરંતુ આ બાબતે ફરિયાદ થયાનું જાણવા મળતા જ્યાંથી મોટર ચોરી કરી હતી. ત્યાં મૂકી આવ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. આંમ, શહેરા પોલીસ મથકે નોંધાયેલા મોટર ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી મોટર ચોરી કરનાર બે આરોપીઓને શહેરા પોલીસે ઝડપી પાડ્યા હતા.