- કોરોના કાળમાં રોજગારી નહિ મળતા શ્રમિક મહિલાઓને નિર્વાહનો પ્રશ્ર્ન.
- શ્રમિક મહિલાઓને રોજગારી માટે સૂત્રોચ્ચાર કરી ટી.ડી.ઓ.ને રજુઆત.
શહેરા,
શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ પાનમ મહિલા સંગઠનની મહિલા તેમજ ચલાલી સહિતના ૧૭ ગામોની મહિલાઓ દ્વારા મનરેગા અંંતર્ગતના કામોમાં મહિલા શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે રેલી સ્વરૂપે નિકળી તાલુકા પંચાયત કચેરીમાં રોજગારી પુરી પાડવા લેખિત અને મૌખિક રજુઆત કરી.
શહેરા તાલુકાના પાનમ મહિલા સંગઠનની દશ ગામની મહિલાઓ તેમજ ચલાલી સહિતના ૧૭ ગામોની મહિલાઓ દ્વારા મનરેગા અંતર્ગત મહિલા શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે શહેરા ખાતે રેલી યોજી હતી. હાલ કોરોના મહામારીને લઈ શહેરા વિસ્તારોમાં રોજગારી માટે જતાં શ્રમિકો પોતાના વતન પરત ફરી ગયા છે. આવા શ્રમિક પરિવારોને રોજગારી મળી રહી નથી. જેને લઈ પરિવારોનો નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે શહેરા તાલુકાના ચલાલી સહિતના ૧૭ ગામોની મહિલાઓ તેમજ પાનમ મહિલા સંગઠન સાથે મળી મનરેગા અંતર્ગત ચાલતા વિકાસલક્ષી કામોમાં મહિલા શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે શહેરા ખાતે રેલી યોજી હતી. પાનમ મહિલા સંગઠનના નેજા હેઠળ યોજાયેલી રેલીમાં મહિલાઓ રોજગારી આપો તેવા સૂત્રોચ્ચાર તેમજ હાથમાં રોજગારી આપે તેવા બેનરો સાથે બસ સ્ટેશન થી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી યોજી હતી અને પાનમ મહિલા સંગઠનના જ્યોતિકાબેન બારીયા, સુખીબેન સહિતની મહિલાઓ તાલુકા વિકાસ અધિકારીને મળ્યા હતા. ટી.ડી.ઓ.ને લેખિત અને મૌખિક રજુઆત કરાઈ હતી કે શ્રમિક મહિલાઓને મનરેગા અંતર્ગત રોજગારી પુરી પાડવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી શ્રમિક મહિલાઓ રોજગારી નહિ મળતાં જીવન નિર્વાહનો પ્રશ્ર્ન ઉભો થયો છે. ત્યારે આ બાબતને ગંભીરતા થી વિચારીને મહિલા શ્રમિકોને રોજગારી પુરી પાડવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે.