શહેરા પાલિકા વિસ્તારમાં 10 વર્ષથી બંધ પડેલ શાકમાર્કેટ ખોલવામાં શુભ મુહર્તની રાહ

શહેરા,

શહેરા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી અડચણરૂપ દબાણો તો દૂર કર્યા પણ દસ વર્ષથી બંધ પડેલ શાકમાર્કેટનો દરવાજો ખોલવામાં શુભ મુહૂર્તની રાહ દેખી રહયા છે.

શહેરા નગર પાલિકા દ્વારા પાછલા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારના અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે બસ સ્ટેન્ડ થી બજારમાં આવવાના માર્ગ ઉપર તેમજ અન્ય મહત્વના માર્ગ ઉપર હાથલારીમાં શાકભાજી વેચતા વેપારીઓ ને પણ હટાવવામાં આવ્યા હતા. જોકે, હોળી ચકલા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 10 વર્ષ પહેલા રૂપિયા દસ લાખના ખર્ચે શાક માર્કેટ બનાવવામાં આવ્યું હતું. તે શાર્ક માર્કેટ હાલ ધૂળ ખાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ શાકમાર્કેટ ને ઉપયોગમાં લઈને રસ્તા ઉપર હાથલારીમાં અને પથારા પાથરીને શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને અહીં બેસાડવામાં આવે તો રસ્તો પણ પહોળો થાય તેમ છે, સાથે આ બંધ પડેલ શાકમાર્કેટનો ઉપયોગ પણ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે પાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને શાક માર્કેટના બંધ દરવાજા ક્યારે ખુલશે તે તો જોવું જ બની રહ્યું છે.