શહેરા,શહેરામાં પાલીકા દ્વારા નવી પાણી ની ટાંકીની પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવતા પાણીનો પુરવઠો 25દિવસ સુધી નિયમિત નહિ મળશે. જેને લઈને નગર વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
શહેરા નગરના મુખ્ય તળાવ નજીક હાલમાં જ નગરપાલિકા દ્વારા 15 લાખ લીટરનો ઈ.એસ.આર. (એલીવેટેડ સરફેસ રિઝર્વર) અને 30 લાખ લીટરનો અંડર ગ્રાઉન્ડ પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ નવીન બનાવેલ ઈ.એસ.આર. અને સંપની મોટર પમ્પિંગ અને પાઈપ લાઈન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાલી રહી હોવાને લઈને નગરપાલિકાને પૂરૂં પાડવામાં આવતી પાનમ ડેમની લાઈનમાંથી પાણીનો પુરવઠો બંધ કરવામાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે અને હાલ છોગાળા ખાતેથી શહેરા નગરપાલિકાને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેથી નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને 20 થી 25 દિવસ સુધી પાણીનો પુરવઠો નિયમિત ન આપવાની જાહેરાત કરાઈ છે. સાથે જ પાણીનો વપરાશ કરકસરથી કરવા અને પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકો ખાસ અપીલ કરવામાં આવી છે. જેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા મારફતે નગરજનો સુધી પહોંચાડવામાં આવી છે. જોકે આ નવીન પાઈપ લાઈનની કામગીરી પૂર્ણ થવામાં આશરે એકાદ માસ જેટલો સમય લાગી શકે તેમ હોવાથી આ કામગીરી પૂર્ણ થયા બાદ નગરજનોને નિયમિત રીતે પાણીનો પુરવઠો મળી શકે તેમ છે.