શહેરા,
શહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુના ગામમાં શનિવારની રાત્રિએ વાવાઝોડા સાથે આવેલ કમોસમી વરસાદે ખેડૂતોની અનેક આશા પર પાણી ફેરવી દીધું હતુ. ખેતરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને નુકશાન જવાની શક્યતા ને લઈને ખેડૂત ચિંતિત છે. જ્યારે આ ગામ સહિત અડીને આવેલા ઊંડારા અને ચારી ગામના ખેડૂતો પણ ખેતી મા ગયેલ નુકશાન માટે સરકાર વહેલી તકે સહાય ચૂકવે તેવી આશા રાખી રહયા છે.
શહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુ ગામના ખેડૂતોએ ચોમાસા દરમિયાન પોતાના ખેતરમાં ડાંગર સહિતના અન્ય પાકની ખેતી કરી હતી. શનિવારની રાત્રિએ અચાનક આ ગામ સહિત અન્ય ગામો મા વાવાઝોડા સાથે આવેલા વરસાદ એ ડાંગર સહિતના પાકને નુકશાન પહોંચાડ્યુ હતુ. ખેડૂત ને સવારમા પોતાના ખેતરમાં ડાંગર નો તૈયાર થયેલ પાક ને જમીન દોસ્ત જોવા મળતા ખેડૂતની અનેક આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ હતુ. અને ચિંતામાં ગરકાવ થવા સાથે ચહેરા પર ની હસી છીનવાઈ ગઈ હતી.
આમિરભાઈ, અર્જુનભાઈ તેમજ અનવર ભાઈ, ભાનુભાઈ સહિતના ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ગામ સહિત આજુ બાજુના ગામોમાં ૫૦૦ હેકટર થી વધુ જમીન મા ખેડૂતોએ ડાંગર ની ખેતી કરી હતી. ખેડૂતોને કમોસમી વરસાદ અને પવનના કારણે ડાંગરના પાક માં નુક્શાન જશે તેવી શક્યતાઓ છે. નવરાત્રી ના પ્રથમ નોરતા એ ખેડૂતો પર આવી પડેલી કુદરતી આફતને લઇને સરકાર દ્વારા ડાંગર સહિતના પાક ને નુકશાન ની યોગ્ય સહાય વહેલી તકે અહીના ખેડૂતો ને મળે તેવી માંગ પણ કરી રહયા છે. જ્યારે ડાંગરના પાક ને નુકશાન ના કારણે ઘાસ પણ ઓછું થઈ શકે તેવી શક્યતાને લઇને પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે હાલ તો ખેડૂત કુદરત રૂઠતા એક બાદ એક નવી મુસીબત સામે ખેડૂતની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે.