શહેરાના ઉંમરપુર આંબાજેટી ગામેથી 11.98 લાખના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

શહેરા,

શહેરામાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પોલીસે તાલુકાના ઉંમરપુર અને આંબાજેટી ગામેથી મોટા પ્રમાણમાં છુપાવી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે 11 લાખ 98 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી પાંચ ઈસમો સામે પ્રોહીબિશન હેઠળ ગુનો નોધિને બે ની ધરપકડ કરી હતી.

શહેરા વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ મથકના પી.આઈ. આર.કે.રાજપૂતને ખાનગી રાહે બાતમ મળી હતી કે ઉંમરપુર ગામના અર્જુનસિંહ ફતેસિંહ પરમાર અને દિલીપસિંહ જશવંતસિંહ મકવાણા આ બંને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી આંબાજેટી ગામે પટેલીયા ફળિયામાં રહેતો ગણપતભાઈ રત્નાભાઈ પટેલના રહેણાંક મકાનમાં તેમજ ઉંમરપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા પૃથ્વીસિંહ મોહનસિંહ મકવાણાના મકાનની આગળ આવેલા જુના કુવાની બાજુમાં બનાવેલા પાણીના હોજની અંદર ઘાસના પૂળા ઢાંકીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂપાવી રાખ્યો છે, જેથી શહેરા પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એલ.કામોળ અને પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એમ.ડામોર સહિત અન્ય પોલીસ કર્મીઓએ સૌપ્રથમ આંબાજેટી પટેલીયા ફળિયામાં રહેતા ગણપત રત્નાભાઈ પટેલ તેમજ મંગુબેન ગણપતભાઈ પટેલના રહેણાંક મકાનમાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 180 એમ.એલ. ના ક્વાટરીયા નંગ-7104 જેની કિંમત રૂ.8 લાખ 52 હજાર 480 નો મુદ્દામાલ મળી આવતા તેને કબ્જે કર્યો હતો. જ્યારે ઉંમરપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા પૃથ્વીસિંહ મોહનસિંહ મકવાણા ઘરની આગળ આવેલા કુવાની બાજુમાં બનાવેલા હોજમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના 180 એમ.એલ. ના ક્વાટરીયા નંગ-2880 જેની કિંમત રૂ.3 લાખ 45 હજાર 600 નો મુદ્દામાલ મળી આવતા શહેરા પોલીસે તેને પણ કબ્જે કર્યો હતો. તો રેઇડ દરમ્યાન આંબાજેટી ગામના ગણપતભાઈ રત્નાભાઈ પટેલ તેમજ મંગુબેન ગણપતભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ઉંમરપુર ગામના પૃથ્વીસિંહ મોહનસિંહ મકવાણા મળી આવ્યો ન હતો. રેઈડ દરમિયાન બંને ગામોમાં મળી કુલ 11 લાખ 98 હજાર 80 નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ કુલ પાંચ ઈસમો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બે ઈસમોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

બોકસ: આરોપીઓના નામ

1.ગણપતભાઈ રત્નાભાઈ પટેલ રહે.આંબાજટી

2.મંગુબેન ગણપતભાઈ પટેલ રહે.આંબાજટી

3.અર્જુનસિંહ ફતેસિંહ પરમાર રહે.ઉંમરપુર

4.દિલીપભાઈ જશવંતભાઈ મકવાણા રહે.ઉંમરપુર

5.પૃથ્વીસિંહ મોહનસિંહ મકવાણા રહે.ઉંમરપુર)