શહેરાની મારૂતિ નંદન સોસાયટીના રહેણાંક મકાનમાંથી નગરપાલિકાની ટીમે ચાઈનીઝ દોરીની 62 રીલો ઝડપી પાડી વેપારી પાસેથી રૂ.60 હજારનો દંડ વસુલ્યો

શહેરા,

પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને માહિતી મળી હતી કે, નગર પાલિકા વિસ્તારમાં આવેલ મારૂતિ નંદન સોસાયટીના એક રહેણાંક મકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે શહેરા નગર પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ તેમની ટીમે મારૂતિ નંદન સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં એકાએક તપાસ હાથ ધરતા ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને નગરપાલિકાની ટીમે મકાન માંથી મળી આવેલી ચાઈનીઝ દોરીની નાની-મોટી 62- નંગ રીલો ઝડપી પાડી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારી પાસેથી રૂ.60 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. જોકે, બે દિવસ અગાઉ નગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પતંગ-દોરીના વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવાની સૂચના પાલિકા તંત્ર દ્વારા અપાઈ હતી. તેમ છતાં વધુ કમાણી કરી લેવાની લાલચમાં પાલિકા વિસ્તારમાં પતંગ-દોરીના વેપારીઓ દ્વારા છૂપી રીતે ચાઈનીઝનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.