શહેરા નગર પાલિકા એ મહેકમ કરતા વધારાના ૧૪ રોજમદારોને ફરજ પરથી છુટા કર્યા

  • રોજમદારો એ નોકરી પર પરત લેવામાં આવે તે માટે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ને કરી રજૂઆત
  • પાલિકામાં ૭૦ના મહેકમ સામે ૮૯ જેટલા સ્ટાફ ફરજ બજાવી રહયો હતો
  • રોજમદારોએ નોકરી પર પરત નહી લેતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
  • પાલિકામા લાઈટ વિભાગ, ડ્રાઇવર, પાણી પુરવઠા, મુકાદમ તેમજ વસૂલાત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રોજમદારોને ફરજ પરથી છુટા કર્યા

શહેરા,
શહેરા નગર પાલિકા કચેરી ખાતે મહેકમ કરતા વધારાના ૧૪ રોજમદારોને ફરજ પરથી છુટા કરતા રોજમદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નોકરી પર પરત લેવામાં આવે તે માટે છુટા કરેલ રોજમદારોએ ધારાસભ્ય તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. કોરોના કહેરમાં પાલિકાએ છુટા કરેલ રોજમદારોને પરત ફરજ પર નહીં લેવા સાથે લેખિતમાં છુટા કરેલ હોવાનું લખાણ નહીં આપતા રોજમદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

શહેરા નગર પાલિકામાં ગ્રામ પંચાયત વખતના અને પાલિકાનું શાસન આવ્યું. ત્યારથી રોજમદાર પોતાની ફરજ બજાવી રહયા છે. નગર પાલિકાના સભાખંડમાં ૧૯/૪/૨૧ ના રોજ મળેલ સામાન્ય સભામા પાલિકામાં ૭૦ના મહેકમ સામે ૮૯ જેટલા ફરજ બજાવતા હોવાથી વધારાના સ્ટાફને ફરજ પરથી છુટા કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં લીધેલી નિર્ણયને લઈને પાલિકામાં ફરજ બજાવતા ૧૪ જેટલા રોજમદારોને નોકરી પરથી છુટા કરતા રોજમદારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. છુટા કરેલ રોજમદારોમાં ગ્રામ પંચાયત વખતના તેમજ ૫ થી ૧૫ વર્ષ સુધી પાલિકામાં લાઈટ વિભાગ, ડ્રાઇવર, પાણી પુરવઠા, મુકાદમ તેમજ વસૂલાત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોય તેવાને લેખિતમાં જાણ કર્યા વગર છુટા કરવામાં આવ્યા હતા. પાલિકામાં પાછલા કેટલાક વર્ષથી લાઈટ વિભાગમાં ફરજ બજાવતા યુસુફખા અંસારી એ મારા સહિતના ૧૪ જેટલા રોજમદારોને પાલિકા એ લેખિતમાં લખાણ આપ્યા વગર છુટા કરી દેવામાં આવતા અમે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને અમને ન્યાય મળે અને નોકરી પર પરત લેવામાં આવે તે માટે રજૂઆત કરી છે. પાલિકામાં નોકરી પર છુટા કરેલ બધાને પરત લેવામાં નહી આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ જણાવ્યું હતું. નગરપાલિકા ખાતે છુટા કરેલ રોજમદારો નોકરી પર પરત લેવામાં આવે તે માટે ચીફ ઓફિસરને આજીજી કરતા નજરે પડ્યા હતા. નગર પાલિકામાં મહેકમ કરતાં વધારે સ્ટાફ હોવાથી માસિક પગાર કરવો મુશ્કેલ બનતું હોવાનું જાણવા મળી રહયુ છે. પરંતુ જે રોજમદારોને છૂટા કરવામાં આવ્યા છે. તે બધાનો પગાર અંદાજીત રૂપિયા ૭૫,૦૦૦ હજારની થતી હોય ત્યારે વર્ષોથી ફરજ બજાવતા રોજમદારોને હાલની કોરોનાની પરિસ્થિતિને જોતા ફરજ પર પરત લેવામાં આવે તે જરૂરી છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગર વિસ્તારની અનેક સમસ્યાનો અંત લાવવામાં આવી રહયો નથી. જ્યારે બીજી તરફ પાલિકામાં ફરજ બજાવતા રોજમદારોને નોકરી માંથી છુટા કરતા નગરજનોમાં ચર્ચાનો મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. નોકરીમાંથી છૂટા કરેલ રોજમદારોના પરિવારજનો હાલ ચિંતિત થવા સાથે મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.